૬૪ કરોડના જીઍસટી કૌભાંડમાં સંડોવાયેલા ભાગાતળાવના ઍન.આર ગ્રુપના માલિક મુન્નવર મેમણની ઍસ જીઍસટી વિભાગે ધરપકડ કરી હતી. આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપી સામે કુલ ૧૦ કરોડની ટેકસ ચોરીનો કેસ છે. દરોડા બાદ આરોપીને વારંવાર ટેક્સ ભરવા જણાવ્યું હતું, પકડાયેલા હિસાબોનો ખુલાસો મંગાયો હતો પરંતુ યોગ્ય પ્રત્યુત્તર ન આપતા આખરે ઍનઆર ગ્રુપના માલિક આરોપી મુન્નવર મેમણની ધરપકડ કરવામાં આવી હતી.
ઍસજીઍસટી વિભાગે માર્કેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ બેઇઝ ઍનાલિસિસ ના આધારે ઍન આર ગ્રુપ પર તપાસ કરી હતી. બે ત્રણ દિવસ ચાલેલી તપાસ કાર્યવાહીમાં ઍન આર ગ્રુપ ના હિસાબોમાં મોટાપાયે ગેરરીતિ મળી આવી હતી. ગ્રુપ દ્વારા જરૂરી ટેક્સ ભરવામાં આવતો ન હતો અને મોટાભાગનો કારભાર ચિઠ્ઠી પર ચાલતો હતો. બે નંબરમાં માલ આવતો હતો અને તેને બારોબાર વેચી નાખવામાં આવતો હતો. શરૂઆતથી તપાસમાં રૂપિયા ૧૦ કરોડની કરચોરી શોધવામાં આવી હતી બાદમાં જેમ જેમ ડોક્યુમેન્ટ મળતા ગયા તેમ તેમ કરચોરીનો આંક વધતો ગયો હતો.ઍનઆર ગ્રુપ દ્વારા જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તેની પર મહત્તમ ૧૮ ટકા સુધીનો ટેક્સ લાગે છે. જેમાં પ્લાસ્ટિક સિવાયની બંગડી પર ૩ ટકા, ઇમિટેશન જ્વેલરી પર ૧૮ ટકા, બ્યુટી પ્રોડક્ટ પર ૧૮ ટકા, ફુટવેર અને લેડીઝ પર્સ પર ૧૨ ટકા ટેક્સ લાગે છે.