
સુરતમાં કોરોનાકાળ બાદ પ્રથમવાર શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ની સાથે ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો ઓફલાઈન પ્રારંભ થયો છે. સુરતના ધોરણ-૧૦ અને ૧૨ના ૧.૪૭ લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી. આ ઉપરાંત સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા અને ભાજપનાં કાર્યકર્તાઓ રાંદેરની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે પહોચી ગયા હતાં. મેયર દ્વારા વિદ્યાર્થીઓને હૃદયથી પરીક્ષા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ ઍકઠા થયા હતાં. વાહનો લઈને આવેલા વાલીઓના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. કોઈ જ પ્રકારનું ટ્રાફિક મેનેજમેન્ટ પરીક્ષા કેન્દ્ર આસપાસ ન થતાં પરીક્ષાર્થીઓની સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થયા હતાં.
સુરતના ધોરણ-૧૦ના ૮૯૧૭૮, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪૪૩૪૫, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૨૧૭૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપિટર ૧૧૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્ના છે. જિલ્લા શિક્ષણાધિકારી ઍચ. ઍચ. રાજ્યગુરૂઍ કહ્નાં હતું કે પરીક્ષા સ્થળોની આસપાસ કલમ-૧૪૪ લાગુ પડશે, પરીક્ષા સ્થળોની આસપાસની ઝેરોક્ષોની દુકાન બંધ રાખવામાં આવી છે.પરીક્ષા સ્થળોની આસપાસની લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.પરીક્ષા સ્થળો પર મોબાઇલ ફોન જેવા સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી શકાશે નહીં, ઓખળ કાર્ડ વિના પરીક્ષા સ્થળ પર કોઈને પણ પ્રવેશ અપાતો નથી. પરીક્ષાના પહેલા દિવસ વિદ્યાર્થીઓને ગોળ ધાણા-પુષ્પ વડે પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કરાયા છે.
વિદ્યાર્થીઓમાં બોર્ડની ઍક્ઝામનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તે માટે શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયા હતા અને તેમનો ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો. આમ, બોર્ડની પરીક્ષાનાં તમામ વિદ્યાર્થીઓનો દરેક કેન્દ્ર પર હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.