વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો દ્વારા અનાજ સગેવગે કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો થવા પામી હતી. થોડા દિવસ પહેલા ભેસ્તાન વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ત્યારે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર આપીને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની વિનામૂલ્યે અનાજનો જથ્થો આપવામાં આવે છે. પરંતુ દુકાનદાર અને અનાજ માફિયાઓની મિલીભગતને કારણે રેશનકાર્ડ ધારકોની વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજન જથ્થો ઓછો આપવામાં આવી છે. આ અનાજની કાળા બજારી કરી તેને ઉંચા ભાવે વેચી દેવામાં આવતો હોવાની રજૂઆતો કરવામાં આવી છે. સાથે વારંવાર સુરત શહેરના વિવિધ ઝોનમાંથી સરકરી અનાજની થતી કાળા બજારી ઝડપી પાડવામાં આવી છે. ત્યાંરે હાલમાં પણ બે દિવસ પહેલા જ ભેસ્તાન વિસ્તારમાંથી ૪૦૦ કટ્ટા સરકારી અનાજનો જથ્થો પકડાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સરકાર દ્વારા આ જથ્થો જરૂરિયાતમંદ લોકોને માટે પૂરો પાડવામાં આવે છે પરંતુ અનાજ માફિયાઓ દ્વારા તેને સગેવગે કરી પોતાની મનમાની ચાલાવી રહયા છે. જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ મળતું નથી. જેથી આવા અનાજ માફિયા અને ભ્રષ્ટાચારી દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.