
દેશભરમાં બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિની જાહેરાત કરાઇ હતી ત્યારે બુધવારે પાલિકામાં મળેલી સામાન્ય સભામાં આ મુદ્દો ગાજ્યો હતો. ખાસ કરીને દિલ્હીમાં ફિલ્મને કરમુક્ત ન કરવા મુદ્દે ટિપ્પણી કરાતાં શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
ઝીરો અવર્સમાં ભાજપ નગરસેવક વ્રજેશ ઉનડકટે કહયું કે દિલ્હીમાં સાંઢ કી આંખ ફિલ્મ કરમુક્ત કરાઇ હતી. પરંતુ કાશ્મીરી હિંદુઓની કરૂણાંતિકા દર્શાવતી ફિલ્મ કરમુક્ત નહીં કરી. આ ફિલ્મ તો બધાઍ જોઇ જ હશે. આમ કહેતા વિપક્ષના સભ્યોઍ કોમેન્ટ કરી કે અમે ફિલ્મ જોઇ નથી.જેના જવાબમાં વ્રજેશ ઉનડકટે કહયું કે, તમારી પાસે ફિલ્મ જોવા માટે કલેજું જ નથી. આ સાંભળી આપના નગરસેવકો ભડક્યા હતા અને કહયું કે તાકાત હોય તો “પાવર ઓફ પાટીદાર” ફિલ્મ રિલિઝ કરીને બતાવો. ગોધરાકાંડ પર ફિલ્મ બનાવો ઍમ કહીને વિરોધ કર્યો હતો. વિપક્ષે કહયું કે પંજાબનું રિઝલ્ટ જોઇ ભાજપ બોખલાઇ ગયું છે. શિક્ષણમંત્રીને કહો કે, શિક્ષણ મુદ્દે ડિબેટ કરવા મનિષ સિસોદિયાની ચેલેન્જનો સ્વીકાર કરે.