કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે ઍક વાહનચાલક પેટ્રોલ પુરાવવા આવ્યો હતો, પરંતુ કર્મચારીઓ દ્વારા પેટ્રોલ ઓછું આપતા હોવાનું લઈ વાહનચાલકે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને પોલીસ દોડી આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
કાપોદ્રા ચાર રસ્તા પાસે રયાણી ફેક્ટરીની બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ આવેલું છે. મધરાત્રિના સમયે વરાછા વિસ્તારમાં રહેતા ઉદય પટેલ નામનો વ્યક્તિ પોતાની બાઈક લઈને પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપ પર આવ્યો હતો. ત્યારે બાઈકમાં ૨૦૦ રૂપિયાનું પેટ્રોલ પંપ પુરાવતા તેને પેટ્રોલ અંગે શંકા ગઈ હતી. જેથી કર્મચારી પાસે પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કઢાવ્યું હતું, જેમાં પેટ્રોલ ઓછું હોવાનું સામે આવતા ઉદય પટેલે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને કાપોદ્રા પોલીસ દોડી આવી હતી. કર્મચારીઓ દ્વારા પેટ્રોલમાં કટ મારી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનો આક્ષેપ ઉદય પટેલે કર્યો છે. રોજેરોજ વધતા ભાવવધારાના કારણે લોકોની કમર તૂટી ગઈ છે, ત્યારે કર્મચારીઓ પેટ્રોલમાં કટ મારી વાહનચાલકો સાથે છેતરપિંડી કરી રહ્નાં છે. હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે.