વરાછા રહેતા ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં તિર્થને ખેંચની બીમારી છે. કેરળમાં બ્રેઈનનું ઓપરેશન કરવા માટે ૩.૫૦ લાખની જરૂર હતી. જોકે તેના પિતાનો પગાર માત્ર ૧૫ હજાર હોવાથી ૪ વર્ષથી ઓપરેશન થઈ શક્યું નહોતું. માજી ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાઍ સોશિયલ મીડિયા પર આ અંગે કેમ્પેન ચલાવતાં લોકોઍ માત્ર ૪ કલાકમાં ૩.૯૪ લાખ સહાય કરી હતી.
રાજકોટના સિસક ગામના મૂળ વતની અને વરાછાની ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ઠુંમર રત્નકલાકાર છે, જેમનો પગાર ૧૫ હજાર છે. તેમના પત્ની ભગવતીબેન સાડીઓમાં સ્ટોન લગાવવાનું ઘરે કામ કરે છે. તેમને સંતાનમાં ઍક દીકરો અને દીકરી છે. દીકરો તીર્થ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે, પરંતુ તેને છેલ્લાં ૧૨ વર્ષથી ખેંચની બીમારી છે. સુરતના ડોક્ટરે કહ્નાં કે ‘કેરળની હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવવું પડશે. જોકે તેનો ખર્ચ ૩.૫૦ લાખ થાય ઍમ છે. આમ, છેલ્લાં ૪ વર્ષથી તીર્થનું ઓપરેશન થઈ શક્યું ન હતું. સોશિયલ મીડિયા કેમ્પેઈનથી ૪ કલાકમાં ૩.૯૪ લાખ રૂપિયા ઍકત્રિત થઈ ગયા હતા. લોકોઍ ૧૦ રૂપિયાથી માંડીને ૫૧ હજાર સુધીની સહાય કરી હતી. તીર્થને ખેંચની બીમારી હોવાથી ઓપરેશન માટે મદદની જરૂર છે. આવો મેસેજ વાઇરલ થતાંની સાથે જ લોકોઍ મદદનો હાથ લંબાવ્યો હતો, જેમાં કાંતિ રાખોલિયાઍ ૫૧ હજાર, ભરત શાહે ૫૧ હજાર, ભરત જસાણીઍ ૨૧ હજાર અને સંસ્કાર દીપ સ્કૂલના સુરેશ ગોટીઍ સ્કૂલ ફી માફ કરી હતી. સોસાયટીના સભ્યોઍ કુલ ૬૭ હજાર રૂપિયાની મદદ કરી હતી. માજી ધારાસભ્ય પ્રફૂલ પાનશેરિયા કહે છે કે ‘મારા ધ્યાનમાં આવ્યું કે તીર્થ ઠુંમરના પિતાજીને કમાણી ઓછી થઈ રહી છે અને ઘરમાં રૂપિયા ન હોવાને કારણે ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં દીકરાનું ઓપરેશન કરાવી નથી શકતાં. ઍટલે તરત જ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી. લોકોઍ મદદ માટે ધોધ વહેવડાવ્યો. ઓપરેશન માટે ૩.૫૦ લાખ રૂપિયાની મદદની જરૂર છે. ૩.૯૪ લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે.’