નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ત્રીજા દિવસે પણ ડોક્ટરોની હડતાળ યથાવત રહી હતી. તબીબોઍ સરકારને સદ્બુદ્ધિ માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું, જેમાં હડતાળીયા તબીબોઍ અંગદાનનાં શપથ લીધા હતાં. જ્યાં સુધી પોતાની માંગણીઓ ન સંતોષાશે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે, તેવું ડોક્ટરોઍ જણાવ્યું છે.
છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરો દ્વારા સતત રાજ્ય સરકારની સામે ડોક્ટરોને મળતા લાભોને આપવામાં ન આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી વખત હડતાળો પણ કરવામાં આવી હતી. ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા છતાં પણ સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલા લેવાયા નથી. જેના પગલે સોમવારથી હડતાળ પર ઉતરેલા ડોક્ટરો પોતાની માંગને લઈ વિરોધ કરતાં નજરે પડ્યાં છે. બુધવારે નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં તબીબો દ્વારા સરકારને સદ્બુદ્ધિ માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરી પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે તબીબોઍ અંગદાનના શપથ પણ લીધા હતાં. ઓર્ગેન ડોનેશન અંગે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અંગે ડો. રાહુલે જણાવ્યું હતું કે, હડતાળનો ત્રીજા દિવસ હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. સરકારે ડોક્ટરોને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપ્યો હતો અને માંગણીઓ ન સંતોષી અમારું અપમાન કરી રહ્નાં છે. સરકારને ભાન થાય તે માટે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સરકારને ખ્યાલ આવે કે ડોક્ટરોને મેડિસિન અને સર્જરીનું કામ છોડીને ધાર્મિક વિધિ કરવાનો સમય આવ્યો છે. સરકારને સદ્બુદ્ધિ થાય તે માટે કથાનું આયોજન કરાયું છે. હાલ તબીબોઍ પોતાની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું છે.