સુરત કોર્પોરેશનની આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. શહેરના તમામ ઝોનમાં હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય છેલ્લા ઘણા સમયથી લેવામાં આવ્યો હતો. ૪ ઝોનમાં ૧ મેથી ૫૦ બેડની હોસ્પિટલ શરૂ કરાશે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ મશીનરી ખરીદવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. દિલ્હીમાં શરૂ કરાયેલા મહોલ્લા ક્લિનક જેવા હોસ્પિટલ સુરતમાં પણ શરૂ કરવા તરફ કોર્પોરેશન આગળ વધી રહી છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે શહેરમાં આરોગ્યલક્ષી સેવાને વધુ સુદ્રઢ કરવા માટે દરેક ઝોનમાં હોસ્પિટલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દરેક વોર્ડમાં ઓછામાં ઓછી ૫૦ બેડની હોસ્પિટલ તૈયાર થાય તે દિશામાં વિચારણા કરવામાં આવી રહી હતી. આખરે તેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તેની સાથે અન્ય ઍક બીજો મહત્વનો નિર્ણય પણ કરવામાં આવ્યા છે કે સુરત શહેરમાં ૧૦૯૩ જેટલી આંગણવાડીમાં ૬ માસથી ૩ વર્ષના બાળકોને ૧૦૦ મીમી દુધ ૩ દિવસ આપવામાં આવશે. જેથી બાળકોને કુપોષણમાંથી દૂર રાખી શકાય. સુમુલ ડેરી સાથે કોન્ટ્રાક્ટ કરીને તમામ બાળકોને દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ૬ દિવસ ભરપેટ નાસ્તો આપવામાં આવશે.