હરિપુરા, ભવાનીવાડ ખાતે આવેલી ઍક આંગડીયા પેઢીના ઉઘરાણી ક્લાર્કે રૂ. ૪૪ લાખની રકમ ઓફિસમાં જમા કરાવવાના બદલે બારોબાર સગેવગે કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
રાજસ્થાન શિરોહી જિલ્લાના કાલન્દી ગામના વતની અને હાલ પૂણા આઈમાતા રોડ, સરિતાવિહાર સોસાયટીમાં રહેતા ગીમાજી અચલાજી પ્રજાપતિ, હરિપુરા ભવાનવડ ખાતે આવેલી રિદ્ધિસિદ્ધિ ઍપાર્ટમેન્ટમાં રમેશ પ્રવીણકુમાર ઍન્ડ કંપની આંગડીયા પેઢી ધરાવે છે. આ આંગડીયા પેઢીમાં ત્રણ જેટલાં ભાગીદારો છે. આંગડીયા પેઢીમાં ગીમાજીના વતનના અને આઈમાતા રોડ, સરિતાવિહાર સોસાયટીમાં રહેતા અરવિંદ સોમાજી પ્રજાપતિ છેલ્લાં ત્રણ વરસથી ઉઘરાણી ક્લાર્ક તરીકે નોકરી કરતા હતાં. તા. પાંચમી એપ્રિલના રોજ અરવિંદભાઈ આખા દિવસ ઉઘરાણીનાં રૂ. ૪૪ લાખ લઈને આંગડીયા પેઢીઍ આવ્યા હતાં. આ પૈસા આંગડીયા પેઢીના ભાગીદાર અને પૂણા આઈમાતા રોડ, સરગમ પાર્ક સોસાયટીમાં રહેતા ગીનાજીભાઈ કાલુજીભાઈ પ્રજાપતિ નિયતક્રમ મુજબ ઘરે લઈ જતાં હતાં, પરંતુ તે વખતે ગીનાજીભાઈ મુંબઈ ખાતે પેઢીના કામ માટે ગયા હતાં, જેથી અરવિંદભાઈ આ પૈસા લઈને જીજે-૫, ઍમડી-૨૮૩૨ નંબરની ઍક્ટિવા પર સવાર થઈ ગીનાજીભાઈના ઘરે ગયા હતાં. જ્યાં તેમની પત્ની સોતીદેવીને રૂ. ૪૪ લાખ આપ્યા હતાં. ત્યારબાદ તા. ૬ઠી એપ્રિલના રોજ સવારે અરવિંદભાઈ ગીનાજીભાઈના ઘરે રૂ. ૪૪ લાખ લેવા માટે પહોચી ગયા હતાં. આ પૈસા ઓફિસે જમા કરાવવાના હતાં, પરંતુ અરવિંદે પૈસા લીધા બાદ પોતાનો મોબાઈલ સ્વીચઓફ કરી પલાયન થઈ ગયો હતો. બીજી બાજુ આંગડીયા પેઢી પર પૈસા લઈને અરવિંદ ન પહોચતા ગીમાજીઍ ભાગીદારની પત્ની સોતીદેવીને ફોન કરીને પૈસા અંગે પૂછતા તેણે અરવિંદને પૈસા આપી દીધાં હોવાનું જણાવ્યું હતું. જેથી ગીમાજીઍ તપાસ કરતા અરવિંદનો મોબાઈલ સ્વીચઓફ આવ્યો હતો. પેઢી સાથે વિશ્વાસઘાત કર્યા હોવાનું ભાન થતાં ગીમાજીઍ પૂણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.