ભારતરત્ન અને સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતીની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનદરવાજા ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતાં. સવારથી જ શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર દિનેશ જાધવાણી, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ સહિતનાં નેતાઓ તથા રાજકીય પાર્ટીઓ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરી પુષ્પ-હાર ચઢાવ્યા હતાં. આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણ મુજબ અમારો પક્ષ અને અમે ચાલવાની કોશિશ કરીશું તેમજ સવારથી જ બૌદ્ધ સમાજનાં લોકો મોટી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉમટી પડ્યાં છે.
બૌદ્ધ સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી બાઇક રેલીઓ કાઢી જય ભીમ…ના નારા સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ, હાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતાં. જાકે, માનદરવાજા ખાતે યોજાયેલાં વિવિધ કાર્યક્રમોને કારણે રિંગ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા જાવા મળી હતી. બપોર પછી સુરત રેલવે સ્ટેશન, સરદાર પટેલની પ્રતિમા પાસેથી બૌદ્ધ સમાજે વિશ્વશાંતિ સંદેશ યાત્રાનું આયોજન કર્યું હતું. આ સંદેશ યાત્રાને વિવિધ રાજકીય પાર્ટીનાં નેતાઓ અને મેયરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ટાવર રોડ, ભાગળથી થઈને નવસારી બજાર પરથી માનદરવાજા સુધી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જાડાયા હતાં. આ યાત્રામાં વિવિધ મહાનુભાવોની કૃતિઓ રજુ કરવામાં આવી હતી.