
નવી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરના બીજા માળે ચોરી થયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ જૂના ટ્રોમા સેન્ટરમાં રીપેરિંગની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન તસ્કરોઍ લાભ લઈ ઇમરજન્સી વોર્ડમાંથી ૧૪ પંખા, ઍસી અને ઍસીનો કોપર પાઈપ ચોરી કરી ભાગી છૂટતા સિવિલ તંત્ર દોડતું થયું છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર અનેક વિવાદમાં ઘેરાયેલી રહે છે. હાલમાં નવી સિવિલ હોસ્ટિલના જૂના ટ્રોમા સેન્ટરની રીપેરિંગ કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂના ટ્રોમા સેન્ટર સીઆઈયુ વિભાગના તાબા હેઠળ છે. થોડા દિવસ પહેલા જ ટ્રોમા સેન્ટરમાંથી ઍક દારૂની બોટલ મળી આવી હતી. જૂના ટ્રોમા સેન્ટરની રીપેરિંગની કામગીરી જાવા માટે ૧૦ દિવસ પહેલા સુપ્રિન્ટેન્ડટ ગણેશ ગોવેકર અને આરઍમઓ કેતન નાયક વિઝિટ પર નીકળ્યા હતાં. તે દરમિયાન જૂના ટ્રોમા સેન્ટરના બીજા માળે ઇમરજન્સી વોર્ડમાં વિઝિટ કરતા બંને ડોક્ટરોને ધ્યાને આવ્યું હતું કે, ૧૪ પંખા, ઍ.સી. અને ઍ.સી.નો ૨૫ ફુટ કોપરનો પાઈપ ચોરી થઈ ગયું છે. આ અંગે સીઆઈયુ વિભાગે સુપ્રિન્ટેન્ડટ ગણેશ ગોવેકર અને આરઍમઓ કેતન નાયકે ઍક લેખિત પત્ર લખી ચોરી અંગેની જાણ કરી હતી. ત્યારબાદ સીઆઈયુ વિભાગે તપાસ કર્યા બાદ ખટોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોધાવાની કામગીરી હાથ ધરી છે.




