ઉમરવાડા, ન્યુ બોમ્બે માર્કેટની પાસે ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી દિલ્હીનાં દંપતીઍ કરોડોનો માલ ઉધાર લીધો હતો, પરંતુ બંને દંપતીઍ અમુક માલ રીજેક્ટ કરી પરત મોકલી વેપારીને રૂ. ૮૮ લાખ ૭૨ હજારની રકમ ન ચૂકવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
રાજસ્થાન, ઉદયપુર જિલ્લાના તરપાલ ગામના વતની અને હાલ વરાછા, ઍલ.ઍચ. રોડ, જાલી ઍન્ક્લેવમાં રહેતા લકીભાઈ રમેશભાઈ કછારા ચાર વરસ પહેલા રિંગરોડ મીલેનિયમ માર્કેટમાં રંગીલા ક્રિઍશન અને ન્યુ લુક સ્ટુડિયો નામથી કાપડનો ધંધો કરતા હતાં અને હાલ ઉમરવાડા ન્યુ બોમ્બે માર્કેટની સામે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો ધંધો કરે છે. ચાર વરસ પહેલા દિલ્હીના વતની અને સ્કાય લોર્ડ ઍજન્સી નામથી કાપડ દલાલીનું કામ કરતા પ્રકાશભાઈ અવારનવાર તેમને ત્યાંથી દિલ્હીના વેપારીઓ માટે માલ લઈ જતાં હતાં. તેમના હસ્તકે દિલ્હી ચાંદની ચોક સ્થિત ફતેજ રશીદ ખાજાગી વોળામાં ચણીયા ચોળીનો ધંધો કરતા દિલીપ સત્યદેવ વર્મા અને તેની પત્ની સોનીબેનનો પરિચય લકીભાઈ સાથે કરાવ્યો હતો. દંપતીઍ દિલ્હીમાં અલગ અલગ જગ્યાઍ બે મોટાં શોરૂમો ચાલે છે, જેમાં દિલીપ લહેગા હાઉસ અને સોની લહેગા હાઉસ નામે બંને શોરૂમો દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા છે અને દિલ્હીમાં મોટા વેપારીઓની શાખ ધરાવે છે. અમારી સાથે ધંધો કરશો તો નફો મળશે અને તમારું પેમેન્ટ સમયસર ચૂકવી દેવાની બાંહેધરી પણ દંપતીઍ આપી હતી. સુરતમાં સાંઈ ઍન્ડ ઍક્શનના માલિક ભરતભાઈ નિધિ ટેક્સટાઇલ અને અરિહંત ટેકસ્ટાઇલના માલિક અશોકભાઈ પાસેથી માલ ખરીદું છું અને તેઓને સમયસર પેમેન્ટ પણ ચૂકવી દઉં છું, તેવી લોભામણી અને લલચામણી વાતો કરી લકીભાઈને પોતાના ઝાંસામાં ફસાવ્યા હતાં. ત્યારબાદ દંપતીઍ લકીભાઈ પાસેથી માલ લઈ સમયસર પૈસા ચૂકવી આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ દંપતીઍ આ વિશ્વાસનો લાભ ઉઠાવી લકીભાઈ પાસેથી તા. ૮-૮-૨૦૧૯ થી આજદિન સુધી રૂ. ૧ કરોડ ૧૪ લાખથી વધુનો લહેગા-ચોળીનો માલ ઉધાર ખરીદ્યા બાદ ૧૨૦ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ લકીભાઈઍ અલગ-અલગ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલ્યો હતો, પરંતુ દંપતીઍ રૂ. ૨૨ લાખ ૯૨ હજારનો માલ ડિફોલ્ટ હોવાથી પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ રૂ. ૩ લાખ ચૂકવીને બાકીના રૂ. ૮૮ લાખ ૭૨ હજાર ચુકવ્યા ન હતાં. જેથી લકીભાઈઍ ઉઘરાણી કરતા દંપતીઍ ઉશ્કેરાઈ જઈ હવે પછી ઉઘરાણી કરશો તો જીવતા ન રહેવા દેવાની ધમકી આપી હતી અને બાકીનાં રૂપિયા આજદિન સુધી આપ્યા ન હતાં. આ દંપતી દિલ્હીમાંથી ઉઠમણું કરી ભાગી છૂટ્યું હતું. લકીભાઈઍ સમગ્ર ઘટના અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.