સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં કાર્યવાહી ન કરતા છેવટે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી. ચોર્યાસી તાલુકાના ગભેણી ગામના પટેલ ફળિયામાં ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરતા સચિન જીઆઈડીસી પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભટ્ટીઓ, દેશી દારૂ, ગેસની સગડીઓ તેમજ દેશી દારૂ બનાવવાનાં સાધનો મળી કુલ રૂ. ૪૨ હજાર ૫૦૦ની મત્તા કબજે કરી ઍક મહિલા બુટલેગરને ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ગભેણી ગામના પટેલ ફળિયામાં રહેતી મહિલા બુટલેગર નીરુબેન મૂળજી પટેલ પોતાના મકાન અને બાજુના મકાનમાં ગેરકાયદેસર દેશી દારૂનો વેપલો મોટાપાયે ચલાવી રહી છે. આ ઉપરાંત ખુલ્લી જગ્યામાં દેશી દારૂ બનાવવાની ભટ્ટીઓ પણ ચલાવી રહી છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો માર્યો હતો, ત્યારે નીરુ મૂળજી પટેલ નામની મહિલા બુટલેગર પકડાઈ ગઈ હતી. પોલીસે તેના મકાન, આજુબાજુનાં મકાનો અને ખુલ્લી જગ્યામાં તપાસ કરતા દેશી દારૂ ગાળવાની ભટ્ટીઓમાંથી ઍક હજાર ત્રણ સો પંચાવન લીટર દેશી દારૂ, ૫૦૦ લીટર વોશ, પાંચ ગેસનાં બાટલાં, બે ગેસની સગડી ઍલ્યુમીનિયમનાં તગારા, ૧૦ ખાલી કેરબા, ટબ વગેરે મળી કુલ રૂ. ૪૨ હજાર ૫૦૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે નીરુની સાથે દારૂનો ધંધો કરનાર ચોર્યાસીના ડુંડી ગામમાં રહેતો કમલેશ ઉર્ફે કાળુ ભાગવામાં સફળ રહ્ના હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે તેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સચિન જીઆઈડીસી પોલીસને સોપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનાં અડ્ડાઓ અને દારૂની બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, પરંતુ વહીવટદારની મિલીભગતને કારણે તમામ કારોબાર પૂરજાશમાં ચાલી રહ્ના છે.