
ઓરિસ્સાથી ગુજરાત રાજ્યમાં ગાંજાનો સપ્લાઈ કરનારાં પાંડી બ્રધર્સની મિલકતો ઓરિસ્સામાં જ કરવામાં આવી છે. જેની ૧૨ મિલકતો, બે લક્ઝરીયસ કાર અને બેક બેલેન્સનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓરિસ્સાના ઍસટીઍફ સાથે સંકલન કરી ભારત સરકારની કોલકાતામાં આવેલી કોમ્પીટન્ટ ઓથોરિટીને પ્રપોઝલ મોકલી મિલકત જ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે ઓરિસ્સાથી ગુજરાતમાં ટ્રેન અને બાયરોડ ગાંજા સપ્લાય કરનારી ચેઈનને પોલીસે તોડવાનો પ્રયાસ કર્યો છે.
ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના સચીના ગામમાં રહેતા અનિલ વૃંદાવન પાંડી અને તેનો ભાઈ સુનીલ વૃંદાવન પાંડી દ્વારા સમગ્ર દેશમાં ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે પહોચાડવાનો કારોબાર કરતા હતાં. આ પાંડી બ્રધર્સ ગુજરાત રાજ્યમાં પણ ગાંજાનો જથ્થો અવારનવાર પહોચાડતા હતાં. તેના વિરૂદ્ધ સુરત શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચાર, સુરત રેલવે, અમદાવાદ, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ જિલ્લો અને સુરત ગ્રામ્યમાં કુલ ૧૧ ગુનાઓ દાખલ થયા હતાં. જેને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાંચે કમર કસી હતી. તા. ૮ માર્ચ ૨૦૨૧ના રોજ સુરત ક્રાઇમ બ્રાંચે ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના સચીના ગામ ખાતેથી સુનીલ પાંડીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ૯૯૦ કિલો ગાંજાનો જથ્થો ભુવનેશ્વર ખાતેથી ઓરિસ્સા ઍસટીઍફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ સુરત શહેર પોલીસ તથા ઍસટીઍફ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાંડી બ્રધર્સની અલગ-અલગ જમીનો, મિલકતો વગેરે સીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત બંનેનાં ઍકાઉન્ટમાં રહેલા ૨૬ લાખ રૂપિયા પણ સીઝ કરાયા હતાં. હાલ સુનીલ સાબરમતી જેલમાં સજા કાપી રહ્નાં છે. આ બંને આરોપીઓ દ્વારા ગુજરાતમાં ૧૧ કેસો નોધાયા હતાં. આ તમામ માહિતી સુરત પોલીસ દ્વારા ઍસટીઍફને મોકલવામાં આવી હતી. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ઓરિસ્સાની ઍસટીઍફ મારફતે પાંડી બ્રધર્સની મિલકતો અંગે વિગતો મેળવવામાં આવી હતી. આ અંગે શનિવારે પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓરિસ્સામાં પાંડી બ્રધર્સના રૂ. ૨ કરોડ ૯ લાખ ૬૯ હજાર ૭૮૭ની કિંમતની ૧૨ મિલકતો, રૂ. ૨૬ લાખની બે કાર અને ખાતામાં ૨૬ લાખ રૂપિયા રોકડ છે. આ તમામ સંપત્તિ જ કરવા માટે ઓરિસ્સાની ઍસટીઍફની મદદથી કાર્યવાહી કરવા માટે ભારત સરકારની કોલકાતા ખાતે આવેલી કોમ્પીટન્ટ ઓથોરિટીને પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જેના આધારે મંજૂરી મળતાં જ આ તમામ મિલકતો જ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦થી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા ૪૬ કેસો કરવામાં આવ્યા છે, જેમાં ૫૫ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં ૧૪૬ પુરૂષો અને ૯ મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે ૪૬ કેસ થકી ૫ કરોડ ૭ લાખથી વધુની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યો છે. આ ડ્રગ્સ અને ગાંજા હરિયાણા, રાજસ્થાન, હિમાચલ, ઓરિસ્સા, મહારાષ્ટ્રમાંથી આવતો હતો. ત્યાંથી પણ ૨૨ આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ નાસતા-ભાગતા વોન્ટેડ ૪૭ આરોપીઓને પકડવામાં આવ્યા છે.