સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા હળપતિવાસના લિસ્ટેડ બુટલેગર શીલા રાજુના મકાનમાં છાપો મારી રૂ. ૮૦ હજારથી વધુ કિંમતનો ઇંગ્લિશ દારૂ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગોડાદરા પોલીસ મથકની હદમાં હળપતિવાસમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમતો હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી ન હતી. અંતે સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે બાતમીના આધારે ગોડાદરા ગામ, હળપતિવાસમાં ચાલતા દારૂના વેપલા પર છાપો માર્યો હતો. સ્ટેટ વિજિલન્સની રેડ બાદ ગોડાદરા પોલીસ દોડતી થઈ હતી. સ્ટેટ વિજિલન્સ સ્ક્વોડે શીલા ઉર્ફે રાજુ શીલા છત્રસિંહ ભીખાભાઈના મકાનમાંથી રૂ. ૮૦ હજાર ૫૫૦ની ૭૭૭ નંગ દારૂની બોટલ, ૩૮૬ લીટર દેશી દારૂ અને રોકડા રૂ. ૧૭ હજાર ૩૦૦, છ મોબાઈલફોન, ત્રણ વાહન મળી કુલ રૂ. ૨ લાખ ૬૪ હજારની મત્તા કબજે કરી હતી. પોલીસે દારૂના અડ્ડા પરથી સાગર સંજય કોલી, પ્રફુલ્લ મનોજ રાઠોડ, મેહુલકુમાર નરેન્દ્રસિંહ ખેર, મનોજ દિલીપભાઈ બાબુલ નામના આરોપીઓને દારૂના અડ્ડા પરથી ઝડપી પાડ્યા હતાં. જ્યારે તાલીફ ઉર્ફે રાજુ ઇદરીશ મિર્ઝા, શીલા ઉર્ફે રાજુ છત્રસિંહ ભીખાભાઈ સહિત આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આગળની તપાસ ગોડાદરા પોલીસને સોપી છે.