
મૂળ તેલંગાણાના વતની અને હાલ ગોડાદરા, ગંગોત્રી નગરમાં રહેતા ઍક શ્રમજીવી પરિવારની યુવતીનો મિત્ર ઍકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. યુવતીને પામવા માટે તેના ઘરમાં ઘુસી જઈ તેણીને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યું છે. આ ઉપરાંત ઝેરીદવાને કારણે યુવતીનો દોઢ માસનો ગર્ભ પણ પડી ગયો હતો.
તેલંગાણાના વરાંગલ જિલ્લાના પરવતગિરી મંડલ ગામના વતની અને હાલ ગોડાદરા, ગંગોત્રી નગરમાં રહેતા શ્રીનિવાસ રામલુ કંડાકટલાની વડોદ, અંબાનગરમાં આવેલા લુમ્સના ખાતામાં માસ્ટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની ૨૨ વર્ષીય પુત્રી ભાગ્યલક્ષ્મીના લગન્ ૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અજય અશોક બેસાણે સાથે થયા હતાં. અજય જાલવા ગામ, અશ્વાની ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડમાં ઈઆરપી મેનેજર તરીકે નોકરી કરે છે. જેના કારણે ભાગ્યલક્ષ્મી પોતાના માતા-પિતાના ઘરે રહે છે. તેને દોઢ માસનું ગર્ભ છે. તા. ૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ ભાગ્યલક્ષ્મી ઘરમાં ઍકલી હતી, ત્યારે તેના વતનનો અને સ્કૂલ-કોલેજનો મિત્ર દુર્ગેશ યાકૈયા બોનાગિરી ઘરે અચાનક જ આવી જડ્યો હતો. ભાગ્યલક્ષ્મીનો મિત્ર હોવાથી તેને ઘરમાં આવકાર આપ્યો હતો. ભાગ્યલક્ષ્મીઍ પોતે ગર્ભવતી હોવાનું જણાવતા જ દુર્ગેશ ઉશ્કેરાઈ ગયો હતો. હું તને પ્રેમ કરું છું, તેમ છતાં તે લગ્ન કેમ કરી લીધા છે? જેથી તું તારા હાથથી ઍક સ્યુસાઇડ નોટ લખ, નહીં તો મારા ગામમાં ઘણાં માણસો છે, જે તારા ભાઈને જાનથી મારી નાંખશે. ભાગ્યલક્ષ્મીઍ ગભરાઈને સ્યુસાઇડ નોટ લખી હતી. જે દુર્ગેશે લઈ પોતાના બેગમાં મુકી તેમાંથી ઝેરની બોટલ કાઢી હતી. ત્યારબાદ બે ગ્લાસમાં ઝેર નાંખી તેમાંથી ઍક ગ્લાસ ભાગ્યલક્ષ્મીને બળજબરીપૂર્વક પીવડાવી દીધી હતી. જ્યારે દુર્ગેશે બીજા ગ્લાસની ઝેરી દવા પીધી ન હતી. ઝેરી દવા પીવાના કારણે ભાગ્યલક્ષ્મી બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સારવાર દરમિયાન ભાગ્યલક્ષ્મીનો દોઢ માસનો ગર્ભ પડી ગયો હતો. આ બનાવ સંદર્ભે ગોડાદરા પોલીસે દુર્ગેશ વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.