
ચોકબજાર સોની ફળિયા ખાતે આવેલા કોગ્રેસના જૂના કાર્યાલયનું ટ્રસ્ટીઓ દ્વારા ડીમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને અખિલ ભારતીય સેવાદળ દ્વારા સખત વિરોધ નોધાવી કોર્ટ કમિશન કર્યું છે. જેને લઈ સેવાદળનાં સભ્યો જૂના કોગ્રેસ કાર્યાલયમાં સામાન લેવા જતાં ત્યાંથી ૨૫થી વધુ ખુરશીઓ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જૂનું કાર્યાલય ટ્રસ્ટીઓઍ સેવાદળનાં સભ્યોને પૂછ્યા વગર બારોબાર તોડી નાંખતા તેનો વિરોધ નોધાવવામાં આવ્યો હતો.
ચોકબજાર સોની ફળિયા ખાતે ૧૯૫૫માં કોગ્રેસ દ્વારા સરદાર ભવન બનાવવામાં આવ્યો હતો. આ ભવનનું ઉદ્ઘાટન દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. કોગ્રેસના મોટાં નેતાઓ દ્વારા આ કાર્યાલયમાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી, પરંતુ સમય જતાં આ મિલકત જર્જરિત થઈ તેને બંધ કરી દેવામાં આવી હતી. થોડા સમય પહેલા જ સરદાર ભવનની ઍક દિવાલનો ભાગ પડી ગયો હતો, જેને લઈ સરદાર ભવન સ્મૃતિ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દ્વારા આખી મિલકત તોડી પાડવા માટે નિર્ણય લીધો હતો, પરંતુ સેવાદળના પ્રમુખ અને સભ્યોને પૂછ્યા વગર આખી મિલકત જમીનદોસ્ત કરી નાંખવામાં આવી હતી. જેને લઈને સેવાદળનાં પ્રમુખ અને સભ્યોઍ વિરોધ નોધાવી કોર્ટ કમિશન કર્યું હતું. જેના પગલે મંગળવારે સેવાદળનાં સભ્યો પોતાનો સામાન લેવામાં આવતા તેમાંથી ૫૦ જેટલી ખુરશીઓ ચોરાઈ જવા પામી હતી. જેથી જૂના કાર્યાલયની જમીન પરત મેળવવા માટે સેવાદળ દ્વારા કોર્ટમાં જવાની તૈયારી કરવામાં આવી છે.