પોલીસ ચોપડે વોન્ટેડ હોય તેવા આરોપીઓને પકડવા માટે દસ દિવસથી ચાલી રહેલા ઓપરેશન ક્લીન અંતર્ગત સુરત શહેર પોલીસે કુલ ૧૭૩ આરોપીઓને ઝડપી લઇ જેલ ભેગા કર્યા હતા. પોલીસ કમિશનરે સારી કામગીરી કરનાર પોલીસ સ્ટેશનને ઇનામની જાહેરાત કરી હતી.
શહેરમાં ગુનાખોરી ઘટાડવાની સાથે જેઓ વોન્ટેડ હોવા છતાં પણ પોલીસ ધરપકડથી બચતા રહેલા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનરે માર્ચ મહિનાથી ઓપરેશન ક્લીન શરૂ કર્યું હતું. માર્ચ મહિનામાં ઍક મહિના દરમિયાન કુલ ૭૫ આરોપીઓને પકડવામાં આવ્યા બાદ ઍપ્રિલમાં ૧૬ ઍપ્રિલથી ૨૫મી ઍપ્રિલ સુધીના ૧૦ દિવસ માટે બીજા તબક્કામાં પણ ઓપરેશન ક્લીન ચાલુ રાખવામાં આવ્યું હતું. ૧૦ જ દિવસમાં પોલીસે કુલ ૧૭૩ આરોપીઓને ઝડપી લોકઅપમાં પહોંચાડી દીધા હતા.ઓપરેશનમાં બ્રાન્ચને તો જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસને પણ કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવતાં પોલીસ સ્ટેશન સ્તરે જ ૧૦૪ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ૨૨, ઍસ.ઓ.જી.ઍ ૨૧ અને પી.સી.બી.ઍ ૨૬ આરોપીઓ પકડ્યા હતા. વોન્ટેડ હોય તેવા ૪૧ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં લાલશાહીથી હોય તેવાં ૬૫ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તે ઉપરાંત ધરપકડથી બચવા જિલ્લા અને રાજ્ય બહાર ભાગી ગયેલા કુલ ૧૫ આરોપીઓને ઊંચકી લાવવામાં આવ્યા હતા. જેથી હવે પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શહેરના તમામ પોલીસ મથકોના કર્મચારીઓઍ કસરત હાથ ધરી છે.