
સુરત સુરત શહેર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઓરિસ્સાથી ઠલવાતો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જગન્નાથપુરીથી ટ્રેન મારફતે સુરત ૪૭ કિલો ગાંજો લઇને આવેલા ચાર યુવકો અને ગાંજો મંગાવનાર યુવકને મહિધરપુરા પોલીસે રેલવે સ્ટેશન પાસેથી પકડી ૪.૭૯ લાખના ગાંજા સહિત ૪.૮૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે પોલીસે બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહિધરપુરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પીઆઇ આર.કે.ધુળિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશ ડાયાભાઇને બાતમી મળી હતી કે, ઓરિસ્સા-જગન્નાથપુરીથી ટ્રેન મારફતે ચાર યુવકો ગાંજો લઇને સુરત આવ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી ટુકના સંન્યાસી ગૌડા, પપુન જુરીયા શેઠી, શંકર સુરેન્દ્ર ગૌડા, સુશાન્તા ઇલન્ગા ગમનગા અને સનાતન ગોપાલ ગૌડા ને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી ૪૭.૯૧૨ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ આરોપીઓ પૈકી સનાતન ગૌડા અમરોલી છાપરાભાઠા ખાતે મધુવન સોસાયટીમાં રહે છે અને ઍમ્બ્રોઇ ડરીનું કામ કરે છે. તેણે વેચવા માટે ગાંજો મંગાવ્યો હતો.