
સુરતના નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૬૦ વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની ઍન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
નાનપુરા બહુમાળી બિલ્ડીંગના ઍ બ્લોકમાં ત્રીજા માળે આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. ૧૧૪૩, ૧૧૪૪, ૧૮૮૯, ૧૮૯૦ અને ૧૮૯૭ ના દસ્તાવેજના રેકર્ડમાં કંઇક ખોટું થયાની શંકા વ્યકત કરતી અરજી સંજય નામના વ્યક્તિઍ ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરીને કરી હતી અને સ્કેનીંગ કોપી સાથે ખરાઇ માટે નકલ આપવાની માંગણી કરી હતી. પરંતુ આશ્ચર્યની બાબત ઍ હતી કે સંજયે અરજી સાથે દસ્તાવેજની જે નકલ રજૂ કરી હતી તેમાં અને ગાંધીનગર સર નિરીક્ષકની કચેરીમાં નોઁધાયેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી સર નિરીક્ષક કચેરી દ્વારા અઠવા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે નકલ મંગાવતા દસ્તાવેજના વોલ્યુમમાં ફોટો નકલની પેજની જાડાઇ વધુ હતી અને પક્ષકારોના નામો પણ અલગ હતા અને તે અંગેની મામલતદાર કે સિટી સર્વેમાં આજ દિન સુધી ઍન્ટ્રી પડી ન હતી. આ બાબત પરથી ફલિત થયું હતું કે અજાણ્યા ભેજાબાજોઍ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ઓરીજનલ રેકર્ડનો નાશ કરી તેના બદલે બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્ના છે.અરજદાર દ્વારા ૬૦ વર્ષ અગાઉ ઍટલે કે જુન ૧૯૬૧ ના રોજ નોંધાયેલા ડુમસ ગામની જમીનના દસ્તાવેજ નં. ૧૧૪૩ અને વેસુની જમીનના દસ્તાવેજ નં. ૧૧૪૪, સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ નોધાયેલા ખજોદની જમીનના દસ્તાવેજ નં. ૧૮૮૯ અને ૧૮૯૦ તથા સિંગણપોરની જમીનના દસ્તાવેજ નં. ૧૯૬૧ માં કંઇક ખોટું થયાની આશંકા વ્યકત કરી હતી. આ મુદ્દે સર નિરીક્ષકની કચેરી ગુજરાત રાજય, ગાંધીનગર ખાતે કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.રાજય સરકાર દ્વારા જુના દસ્તાવેજનું ડિજીટાઇલેઝશન વર્ષ ૨૦૧૧ માં કરવામાં આવ્યુંહતું અને તેની ઍક સોફટ કોપી સર નિરીક્ષકની કચેરી ગુજરાત રાજય, ગાંધીનગર ખાતે પણ રાખવામાં આવી છે. જેથી પોલીસે ગાંધીનગરની કચેરી ખાતેથી ઓરીજનલ દસ્તાવેજ અને અઠવા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોંધાયેલા બોગસ દસ્તાવેજની નકલ મેળવી તેના આધારે તપાસ હાથ ધરી છે. બંને દસ્તાવેજમાં જમીનમાં જેટલા પણ લાભાર્થી છે તેઓને શંકાના દાયરામાં રાખી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી. બુબડીયાઍ જણાવ્યું હતું.