ક્રાઈમ બ્રાન્ચે સુરતના ડુમસ રોડ પરથી ૨૩૫ ગ્રામ ચરસ સાથે નવસારી જલાલપોરના માતા-પુત્રને ઝડપી લીધા બાદ નવસારી જીલ્લા ઍલસીબીની સાથે તેમના લીમડાચોક ધર્મનંદન ઍપાર્ટમેન્ટના ફ્લેટમાં રેઈડ કરી વધુ ૧૫૬૦ ગ્રામ ચરસ સાથે મહિલાના પતિ અને બીજા પુત્રને પણ ઝડપી લીધા હતા. શીતલ આંટીના નામે જાણીતી નવસારીની મહિલા હિમાચલ પ્રદેશથી ચરસ લાવી પોતાના ઘરમાં છુપાવી સુરતના પોશ વિસ્તારમાં વેચતી હતી.
મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડુમસ રોડ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી મોપેડ પર આવેલા ઉત્સવ રમેશભાઈ સાંગાણી અને પાછળ બેસેલી તેની માતા શાન્તાબેન ઉર્ફે શીતલ ને અટકાવી જડતી લેતા શાન્તાબેન ઉર્ફે શીતલના પર્સમાંથી રૂપિયા ૩૫,૩૪૩ ની મત્તાનો ૨૩૫ ગ્રામ ૬૨૦ મિલીગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ચરસ ઉપરાંત મોપેડ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા ૧,૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ઍક ટીમને નવસારી મોકલી નવસારી જીલ્લા ઍલસીબી સાથે તેમના ફ્લેટમાં રેઈડ કરી હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચ અને નવસારી જીલ્લા ઍલસીબીને ત્યાંથી રૂપિયા ૨,૩૪ લાખની મત્તાનું ૧૫૬૦ ગ્રામ ચરસ, રોકડા રૂપિયા ૧,૯૫ લાખ, વજનકાંટો, કોથળીઓ મળી કુલ રૂપિયા ૪,૬૧ લાખનો મુદ્દામાલ મળ્યો હતો.પોલીસે ત્યાંથી શાન્તાબેન ઉર્ફે શીતલના પતિ રમેશભાઈ કાળુભાઇ સાંગાણી અને બીજા પુત્ર દર્શનની પણ ધરપકડ કરી હતી.આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જલાલપોર પોલીસ મથકમાં બે અલગ ગુનો નોંધાવી ક્રાઈમ બ્રાન્ચે શાન્તાબેન ઉર્ફે શીતલની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સુરતના પોશ વિસ્તારમાં શીતલ આંટીના નામે જાણીતી છે. તે મૂળ સુરતના અઠવાલાઈન્સ કેશવજ્યોત ઍપાર્ટમેન્ટના અને હાલ હિમાચલ પ્રદેશમાં રહેતા નિરવ અરુણભાઈ પટેલ પાસે ચરસનો જથ્થો પોતાના નવસારીના ઘરે મંગાવી અથવા તો જાતે જઈને લાવી ઘરમાં છુપાવીને બાદમાં સુરતના પોશ વિસ્તાર ઉપરાંત નવસારીમાં વેચે છે. નિરવ પટેલ ક્યારેક તેની પરિચિત સંતોષ ચૌહાણ ઉર્ફે આરતી મારફતે ચરસની ડીલીવરી મોકલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.