
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની બેન્ક લોન છેતરપિંડી મામલે ઍબીજી શિપયાર્ડ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ સંદર્ભે મુંબઇ, પૂણે અને સુરતમાં ૨૬ સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીઍ ઍબીજી શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું. ઍબીજી શિપયાર્ડના ચેરમેન અને ઍમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ૨૮ બેન્કની કુલ ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે.ઇડી આ કેસમાં સંબંધિત દસ્તાવેજો શોધી તેની તપાસ કરી રહી છે.
આ મામલે સીબીઆઇઍ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. બેન્ક ઑફ ઇન્ડિયાના અધિકારીઓઍ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીઍ મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો. સીબીઆઇની ઍફઆઇઆર મુજબ ઍબીજી શિપયાર્ડે લોન લઇને ૨૮ બેન્ક સાથે છેતરપિંડી કરી છે. ઍજન્સીઍ ફેબ્રુઆરીમાં ૨૨ હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. જે બાદ હવે ઇડીઍ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને તપાસ કરી રહી છે.સીબીઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર, ઍસબીઆઇના અધિકારીઓની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, ઍબીજી શિપયાર્ડ લિમિટેડ નામની કંપની દ્વારા બેંક લોન લઈને છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મેસર્સ ઍબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ ૨૮ બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ૨૮ બેંકો દ્વારા સીબીઆઈને અરજી કરવામાં આવી હતી.