મોરાભાગળ વિસ્તારમાં આવેલી ઝુંપડટ્ટીનું રાંદેર ઝોન દ્વારા ડીમોલિશનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી રહેવાસીઓઍ ડીમોલિશનનો વિરોધ નોધાવ્યો હતો, પરંતુ રાંદેર ઝોન દ્વારા કોર્ટના આદેશની અવગણના કરી ઝુંપડાઓ તોડી પાડ્યા હતાં. કોર્ટમાં કેસ હોવા છતાં રાંદેર ઝોને ડીમોલિશન કરતા રહીશો ઘરવિહોણા થઈ ગયા હતાં.
મોરાભાગળ મચ્છી માર્કેટ પાસે હળપતિવાસ ઝુંપડપટ્ટી આવેલી છે, જેમાં ૧૪ ઝુંપડાઓ આવેલા છે. આ જગ્યા મુસ્લિમ ટ્રસ્ટની હોવાથી હળપતિવાસનાં રહીશોને રહેવા માટે દાનમાં આપી દીધી હતી. વર્ષોથી હળપતિ સમાજનાં લોકો અહીં રહેતા આવ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આ મિલકત પાલિકાની હોવાનું દાવો કરતા કોર્ટમાં કેસ ગયો હતો. કોર્ટ દ્વારા પાલિકાને નોટિસ કાઢી બુધવારે કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું. તે પહેલા જ પાલિકાઍ નોટિસની અવગણના કરી પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે ડીમોલિશનની કામગીરી હાથ ધરતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓઍ ડીમોલિશનનો વિરોધ કરવા છતાં રાંદેર ઝોને ૧૪ ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવી દીધો હતો અને તેઓનો સામાન પણ લઈ લીધો હતો. હાલ ભોગ બનનારાં પરિવારો કોર્ટમાં ગયા છે.