
સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે રામપુરા નૂરી મહોલ્લામાં રહેતા ઍક યુવકને લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. આ લોડેડ પિસ્તોલ પાલ ગામમાં રહેતા માથાભારે યુવકે સાચવવા માટે આપી હોવાની કબુલાતના આધારે ક્રાઇમ બ્રાંચે તેની પણ ધરપકડ કરી છે.
સુરત શહેરમાં તહેવારોને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, રામપુરા, નૂરી મહોલ્લામાં રહેતો અલવર પઠાણ લોડેડ પિસ્તોલની સાથે ફરી રહ્ના છે. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાંચે અનવર અફઝલખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ઍક લોડેડ પિસ્તોલ, ત્રણ કારતૂસ મળી કુલ રૂ. ૨૦ હજાર ૩૦૦ની મત્તા કબજે કરી હતી. પોલીસે અનવરની પૂછપરછ કરતા પાલ ગામના મોટા મહોલ્લામાં રહેતા તેના મિત્ર અલ્તાફ ઉર્ફે અલ્તુ હૈદર મલિકે રમઝાન મહીના પહેલા તેને પિસ્તોલ સાચવવા માટે આપી હતી. શોખને કારણે તે પોતે ગેરકાયદેસર પિસ્તોલ ધારણ કરીને ફરી રહ્ના હોવાની કબુલાત કરી હતી. પોલીસે હકીકતના આધારે પાલ ગામમાંથી અલ્તાફ ઉર્ફે અલ્તુને ઝડપી પાડ્યો હતો. અલ્તાફ અગાઉ પણ અડાજણ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.