વર્ષે ૫૦૦ કરોડથી વધુના રોડ બનાવતી સુરત પાલિકા ખજોદ ખાતે સૌપ્રથમ સ્ટીલ રોડ બનાવવા કવાયત શરૂ કરી છે. કુલ ૫૧૦૦ વર્ગ મીટર વિસ્તારમાં બનનારા ૩૦૦ મીટર લાંબા અને ૧૭ મીટર પહોળા સ્ટીલ રોડના આ પાયલોટ પ્રોજેક્ટને થોડા દિવસોમાં જ મંજૂરી મળી જશે અને ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરી લેવાશે.
આ અંગે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પણ મંજૂરી મેળવી લેવાઇ છે. ખુદ સીઆરઆરઆઈઍ આ પાયલોટની સફળતાઍ બાય પ્રોડક્ટ સ્લેગના ભંડારને ઉપયોગમાં લઇ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહેતા સ્ટીલ રોડની ડિઝાઇન અમલમાં લાવવાની પણ તૈયારી કરી છે.સૌપ્રથમ સ્ટીલ રોડ પરંપરાગત બનતા રોડની કોસ્ટની તુલનામાં ૧૬થી ૧૮ ટકા જેટલો સસ્તો પડશે. જેથી પાલિકાને દર વર્ષે થતા મોટા ખર્ચાઓમાંથી મુક્તિ મળશે અને રેતી-કપચી જેવા ખનીજના નહિવત ઉપયોગથી પર્યાવરણની જાળવણી પણ થશે. પાલિકાના ઍક્ઝિ. ઈજનેર બી આર ભટ્ટે કહ્નાં કે સ્લેગ રોડની ચો.મી. દીઠ કોસ્ટ રૂ. ૧,૧૫૦, બિટ્યુમેનની રૂ. ૧,૩૦૦ અને કોંક્રીટની રૂ. ૨,૭૦૦ થાય છે. કોંક્રીટ રોડનું આયુષ્ય ૩૦ વર્ષ, બિટ્યુમેન-સ્લેગનું ૧૫ વર્ષ છે. ઉનાળામાં સ્લેગ પર ૪૫ ડિગ્રી પારાની પણ અસર થતી નથી. હજીરાની ઇન્ડસ્ટ્રીઝ સ્લેગ ઉત્પાદનમાં મોખરે હોવાથી દૈનિક વિપુલ પ્રમાણમાં રિફાઇનરીઓમાં પ્રોસેસ થઇ રહી છે. ૧૦૦૦ કિલો સ્ટીલ ઉત્પાદનમાં ૪૦૦થી ૬૦૦ કિલો વેસ્ટ ઍટલે સ્લેગ છુટું પડે છે. લાલચોળ સ્લેગને ડમ્પિંગ સાઇટ પર ઍકત્રિત કરાય છે.