૫ વિષયના પ્રશ્નપત્રોના પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે યુનિવર્સિટીઍ બુધવારે વાડિયા વિમેન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અશોક દેસાઇ સહિત ૧૨ કર્મચારીઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા છે. પ્રિન્સીપાલ ઉપરાંત ઍક્ઝામ સુપ્રિટેન્ડન્ટ ડો. ભરત ભંડારી અને કે. સી. સોલંકીને પણ સસ્પેન્ડ કર્યા હતા.
યુનિવર્સિટીઍ ઉમરા પોલીસમાં પેપર ફોડનારની તપાસ અરજી પણ કરી છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીઍ અરજીમાં લખ્યું કે, પેપર અમદાવાદ પ્રેસમાંથી છપાઇને સીલબંધ પેકેટમાં યુનિવર્સિટીમાં આવે છે. જે બાદ પરીક્ષાના સમય પત્રક અનુસાર કોલેજો પર પહોંચાડાય છે. બાદમાં ઍક્ઝામ સુપ્રિટેન્ડન્ટે ૧૦ મિનિટ પહેલા ક્લાસરૂમમાં સીલબંધ પહોંચાડવાનું રહેતું હોય છે. પરંતુ ૨૦ ઍપ્રિલ, ૨૦૨૨ના બે કલાકે બીકોમમાં ઇકોનોમિક્સની સાથે બીઍમાં હિસ્ટ્રી, હોમ સાયન્સ, ઇંગ્લિશ અને ગુજરાતીની પરીક્ષા હતી. જોકે, કુલપતિ ડો. કે. ઍન. ચાવડાને ફરિયાદ મળી હતી કે કોઇઍ પહેલેથી જ પેપર ફોડી નાખ્યું છે. જે પછી કુલપતિઍ પરીક્ષા વિભાગને જાણ કરતા ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમ વાડિયા વિમેન્સ કોલેજ પર પહોંચી હતી. જ્યાં તપાસ કરતા પેપર ૧૯ ઍપ્રિલે શરતચૂકથી ખુલી ગયા હોવાનું જણાયું હતું. તપાસ કમિટીઍ રિપોર્ટમાં લખ્યું છે કે નિવેદનો, સીસીટીવી ફૂટેજો અને પુરાવાને જોતા માનવક્ષતિ જણાય છે. પણ ૫ વિષયના પેપરો ખુલી ગયા અને યુનિવર્સિટીને જાણ ના કરી ઍ ગંભીર બેદરકારી જણાય આવે છે.