સુરતના નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૬૦ વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની ઍન્ટ્રી કરાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સબ રજીસ્ટ્રાર કચેરી અને જમીનના મૂળ માલિકના અઠવાલાઇન્સ પોલીસે નિવેદન નોંધ્યા છે.
નાનપુરા બહુમાળી બિલ્ડીંગના ઍ બ્લોકમાં ત્રીજા માળે આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. ૧૧૪૩, ૧૧૪૪, ૧૮૮૯, ૧૮૯૦ અને ૧૮૯૭ ના દસ્તાવેજના રેકર્ડમાં કંઇક ખોટું થયાની શંકા વ્યકત કરતી અરજીને પગલે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ અંતર્ગત અઠવાલાઇન્સ પોલીસે ગાંધીનગર સ્થિત સર નિરીક્ષક કચેરી પાસેથી મળેલા દસ્તાવેજના આધારે જમીનના મૂળ માલિક ઍવાલ લીલીબેન મગનભાઇ સોંસકીયાનું નિવેદન નોઁધ્યું છે. આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફના ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં સિસ્ટમેટીક રીતે આચરવામાં આવેલા કૌભાંડ મસમોટું હોવાનું જણાતા તાબડતોબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાંચના ઍસીપી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી છે. બીજી તરફ ઍવું ચર્ચાય રહ્નાં છે કે આ કૌભાંડ પાછળ ચૌક્કસ ટોળકી સક્રિય છે અને તેણે સમગ્ર ખેલ કર્યો છે. અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૬૦ વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજને રાતોરાત ગાયબ કરી તેના ઠેકાણે બોગસ દસ્તાવેજની ઍન્ટ્રી કરવાના કૌભાંડને પગલે સુરતના રીયલ ઍસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડ વર્ષ ૨૦૨૧ માં આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સબ રજીસ્ટ્રાર કચેરી સાથે સંકળાયેલા કેટલાક લેભાગુઓઍ વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ચોરી કરાવી તેના ઠેકાણે બીજા દસ્તાવેજની ઍન્ટ્રી કરાવ્યાનું જાણવા મળ્યું છે.