પૂણામાં રોડ પર પરિવાર સાથે સૂતેલી ૪ વર્ષની બાળકીને રાત્રિના સમયે ઉપાડી જઇ રેપ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી હત્યા કરવાના કેસમાં આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. પોલીસે ૧૫ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી છે જેમાં ઍફઍસઍલ અને મેડિકલ પુરાવા સહિત કુલ ૫૫ સાક્ષી છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાઍ કહ્નાં કે, ટૂંક સમયમાં ચાર્જફ્રેમ અને બાદમાં ટ્રાયલ શરૂ કરાશે.
૧૪ ઍપ્રિલ ૨૦૨૨ના રોજ પૂણામાં ભૈયાનગર નજીક ફુટપાથ પર ૪ વર્ષીય બાળકી પોતાના માતા-પિતા સાથે ઉંઘી રહી હતી ત્યારે મૂળ મધ્યપ્રદેશના ૩૧ વર્ષીય આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ મહેશસિંગ ગૌણ બાળકીનું અપહરણ કરી ત્યાંથી લઇ ગયો હતો અને અવાવરુ જગ્યાઍ લઇ જઇ બળાત્કાર ગુજારી બાળકીનું ગળુ દબાવી હત્યા કરી હતી. બાદમાં આરોપીઍ લાશને ખાડામાં દાટી દીધી હતી અને ખાડા પર કચરો અને પત્થર મૂકી ભાગી જઈ નજીકની શાળાના ધાબા પર જઇને સૂઈ ગયો હતો. જો કે પોલીસ તપાસમાં આરોપીની ધરપકડ કરાઈ હતી અને આજે ૧૫ દિવસમાં તેની સામે ચાર્જશીટ કરી દેવાઇ હતી.આરોપી સામેની ચાર્જશીટમાં આરોપી સામેના પુરાવા રૂપે ઍફઍસઍલ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ-ઍવિડન્સ, સીસીટીવી ફુટેજ, સાંયોગિક પુરાવા, ગેઇટ ઍનાલીસીસ રિપોર્ટનો સમાવેશ થાય છે. આવતા અઠવાડિયે ચાર્જફ્રેમની કાર્યવાહી પણ શરૂ કરી દેવામા આવે ઍવી શક્યતા છે.