રવિવારની રજામાં ડુમસ રોડ, વેસુ, વી.આઇ.પી. રોડ ઉપર થતી લોકોની ભીડનો લાભ લઇ સ્નેચર્સ ગેંગ સક્રિય થતી હોય છે. અઠવા, ઉમરા અને ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૨૫ જેટલા હોટસ્પોટ નક્કી કરી ડી.સી.પી. ઝોન-૩ઍ જાતે કમાન સંભાળી હોટસ્પોટ પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. પી.સી.આર.જીપની સાથે મોડિફાઇ કરી વધુ ઝડપી અને અત્યાધુનિક બનાવેલી ૧૨ બાઇક્સને પણ તેમાં જોતરવામાં આવી હતી.
રવિવારે રજાના દિવસે ખાસ કરીને સાંજે લોકો પિકનિક મનાવવા ડુમસ રોડ તરફ દોટ મૂકે છે. ડુમસ રોડ, વેસુ, વી.આઇ. પી. રોડ, વાય જંક્શન, કેનાલ રોડ અને ઉધના મગદલ્લા રોડ ઉપર લોકો ખાણી-પીણી માટે ઊમટી પડે છે. લોકોની સાથે સ્નેચિંગ કરતી બાઇકર ગેંગ પણ આ રોડ ઉપર ઉતરી આવે છે. રવિવારની સાંજે ચેઇન અને મોબાઇલ સ્નેચિંગના પણ બનાવો વધી જતાં હોઇ ડી.સી.પી. ઝોન-૩ સાગર બાગમરે જ્યાં આવા બનાવ બને છે તેવા હોટસ્પોટ પોઇન્ટ નક્કી કરી ત્યાં પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપ્યો છે. અઠવા, ઉમરા અને ખટોદરા વિસ્તારમાં કુલ ૨૫ હોટ સ્પોટ પોઇન્ટ નક્કિ કરી સ્થાનિક પોલીસ વાન દ્વારા પેટ્રોલિંગ કરાવવાની સાથે તેઓ જાતે પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા. બાઇકર ગેંગનો પીછો કરી શકે તે માટે મોડિફાઇડ કરીને બનાવેલી ૧૨૫ બાઇક પણ પેટ્રોલિંગમાં જોડી હતી.