સિંગણપોર, ડુમસ, ખજોદ અને વેસુમાં આવેલી પારસીઓની લગડી જેવી જમીન પચાવી પાડવા ફોટો કોપી સાથે ચેડાં કરી બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરવાના કાંડમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા સીઆઈટીની રચના કરાઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી જમીનના કોઠાકબાડા કરવા માટે બહાર આવેલી મોડસ ઓપરેન્ડી પૈકી તદ્દન નવી મોડસ ઓપરેન્ડી સુરતમાં પારસીઓની જમીન પચાવી પાડવા માટે અપનાવવામાં આવી છે. અંદાજિત ૧૦૦૦ કરોડની જમીનનો ધડો લાડવો કરવા ભેજાબાજોઍ ૧૯૬૧માં નોંધાયેલા મિલકતના દસ્તાવેજમાં ચેડાં કર્યા હતા. ૧૯૬૧માં શહેરના રાંદેર તેમજ અન્ય વિસ્તારના નોંધાયેલા દસ્તાવેજની ફોટો કોપીમાંચેડાં કરી પારસીઓની જમીનમાં વારસાઈની નોંધ પડાવવા પ્રયાસ કરાયો હતો. દસ્તાવેજ નોંધણી સમયે સરકારી રેકર્ડમાં સાચવીને રાખવામાં આવતી ફોટો કોપીમાં ચેડાં કરી બદલી નાંખવામાં આવી હતી. નોંધણી નિરીક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવતા કૌભાંડિયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. બીજી તરફ કેસની ગંભીરતા જોઇ શહેર પોલીસ કમિશનરે કેસની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપી હતી. ક્રાઈમબ્રાંચને તપાસ સોંપાયા બાદ સબ રજિસ્ટ્રાર સહિતના કર્મચારીઓની નિવેદન લેવાની કામગીરી ચાલી રહી હતી. તેવા સમયે દસ્તાવેજકાંડની ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ કમિશનરે ઍસઆઈટી ની રચના કરી છે. ક્રાઈમબ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીની આગેવાનીમાં પીઆઇ નીરવ બારોટ અને મહેન્દ્ર સાળુંકે સમગ્ર કૌભાંડની ડિટેઇલ તપાસ કરાશે. સિંગણપોર, ડુમસ, ખજોદ અને વેસુમાં આવેલી પારસીઓની જમીન પચાવી પાડવા માટે કરાયેલા દસ્તાવેજ કાંડમાં નવી હિલચાલ થઈ છે.સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું.સરકારી દસ્તાવેજમાં ચેડાં કરવાનો કેસ ખૂબ જ ગંભીર છે. રેવન્યુ વિભાગ પાસેથી આ કેસને લગતી રજેરજની માહિતી માંગવામાં આવી છે. આ કૌભાંડમાં પડદા પાછળ જે પણ મોટા માથા સંડોવાયેલા હશે તેમને બેનકાબ કરવા ડીસીપી ક્રાઈમની આગેવાનીમાં ઍસઆઈટીની રચના કરવામાં આવી છે.