
સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે ગત મોડીરાત્રે મંડપને ટ્રક અડી જતા ચાલક સાથે ઝઘડો કરી તોડફોડ કરનાર બે યુવાને અવાજ સાંભળી નજીકની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં હાજર કોન્સ્ટેબલ ત્યાં પહોંચતા તેના પર હુમલો કર્યો હતો. જયારે ત્યાં પહોંચેલી ઍક યુવાનની માતાઍ કોન્સ્ટેબલને બચકા ભર્યા હતા.
લાલગેટ પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ વનરાજસિંહ પરમાર ગતરાત્રે સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે પોતાની ઓફિસમાં હાજર હતો ત્યારે ૧૦.૩૦ ના અરસામાં નજીકમાં ઝઘડાનો અવાજ સાંભળી પહોંચ્યો હતો. ત્યાં પહોંચી તપાસ કરી તો લગ્નના મંડપ પાસેથી પસાર થતી વખતે ટ્રકનો પાછળનો ભાગ મંડપને બાંધેલા પાઇપને અડી જતા ટ્રક આંતરી અંદર ચઢીને ઝઘડો કરી તેના ચાલક સતપાલ સ્વરૂપસીંગ રાજપુતને જાહીદ ઉર્ફે જાઉ ઈસ્માઈલભાઇ શેખ અને ઍક અજાણ્યાઍ માર મારી ટ્રકના આગળનો ડાબી બાજુનો કાચ તોડી તથા ડ્રાઇવર બાજુ ટ્રકની હેડલાઇટની ઉપર પથ્થર વડે ગોબા પાડી નુકસાન કર્યું હતું.ઘનશ્યામસિંહે પોતાની ઓળખ આપતા બંનેઍ તેના પર હુમલો કરી શર્ટના કોલર પકડી શર્ટ ખેચી શર્ટના બટનો તોડી નાખ્યા હતા અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યાં પહોંચેલી જાહીદની માતા શાહીદાબીવીઍ ઘનશ્યામસિંહના જમણા બાવડા પાસે બચકા ભર્યા હતા. આ અંગે ઘનશ્યામસિંહે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.