
અડાજણ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગ્રીન રેસીડેન્સીમાં આવેલા એક ફ્લેટમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ચાલતા સટ્ટા ઉપર પીસીબીએ રેડ કરી ચાર સટોડીયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસે ફ્લેટમાંથી ૩૫ મોબાઈલ, બે લેપટોપ, ટેબલેટ, ટીવી વગેરે મળી કુલ રૂ. ૩ લાખ ૩૫ હજારથી વધુની મત્તા કબજે કરી છે. જ્યારે ૧૦ જેટલાં બુકીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબુદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિવિધ પોલીસ મથકો અને બ્રાંચોને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પીસીબીની ટીમો શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ યોગેશ કન્સારા અને રાકેશ વલ્લભ તથા શૈલેષ અશ્વીનને બાતમી મળી હતી કે અડાજણ, ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડેન્સીની બિલ્ડિંગ-એફના ફ્લેટ નં. ૧૦૩માં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગનો જુગાર રમાઈ રહ્ના છે.આ હકીકતના આધારે પીસીબીએ છાપો માર્યો હતો. ત્યારે અમદાવાદ, વસ્ત્રાપુરના લાડ સોસાયટીમાં રહેતો હિતેશ રમણલાલ રાજપુત, આણંદ ખંભાત તાલુકાના પીટ બજારના વતની અને હાલ કતારગામ દરવાજા, આદમની વાડીમાં રહેતા રત્નકલાકાર જીતુ કાલીદાસ રાણા અને દિવાનસિંહ ખુમાનસિંહ ગોહિલ તથા કલ્પેશ અરવિંદ સોની નામનાં સટ્ટોડીયાઓ રંગેહાથ પકડાઈ ગયા હતાં. પોલીસે ફ્લેટની તલાશી લેતા અંદરથી ૩૫ મોબાઈલ, બે લેપટોપ, બે ટેબલેટ, બે એલઈડી, સેટઅપ બોક્સ, સેન્સર બોર્ડ, રાઉટર, ૧૭ ચાર્જર વગેરે મળી કુલ રૂ. ૩ લાખ ૩૫ હજારથી વધુની મત્તા મળી આવી હતી. પોલીસે આ અંગે ચારેય જણાંને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ચાર-પાંચ દિવસ પહેલા જ ગ્રીન રેસીડેન્સીમાં પોતાના સાગરીતો સાથે આવ્યા હતાં. ફ્લેટમાં રહી આઈપીએલની ટી-ટ્વેન્ટી ક્રિકેટના ટૂર્નામેન્ટની મેચો ઉપર, ખેલાડીઓનાં રનો તથા મેચના સેશન્સ ઉપર ગ્રાહકોની સાથે ટેલીફોનિક સંપર્ક કરી ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હતાં. હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગ રમાડતા હતાં. લાઇવ મેચનો ભાવતાલ બુકીઓ પાસેથી લઈ મોબાઇલ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી તેમના પાસે સટ્ટા બેટિંગનાં રૂપિયા લઈ કોમ્પ્યુટર,લેપટોપમાં નોધ કરી જુગાર રમાડતા હોવાની કબુલાત કરી હતી. જામનગરના ગુરુજી, અમદાવાદનો જે.પી., આણંદના ખંભાત તાલુકાનો હિતેશ પટેલ અને અમદાવાદના અશ્વિન રાજપુત, ખંભાતનો મહેન્દ્ર પરમાર, બિપીન રાવળ, તરુણ રાવળ, અમદાવાદનો અંકિત રાજપુત, સંજય દરબાર અને ખંભાતનો મનોજ રાવળ નામના બુકીઓ પાસેથી સટ્ટા બેટિંગનો ભાવતાલ લઈ જુગાર રમાડી રહ્ના હતાં. આ હકીકતના આધારે પીસીબીએ આ તમામને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ અડાજણ પોલીસને સોîપી છે.