સુરતના કાપડ બજારમાં કરોડોની છેતરપિંડી કરી વેપારીઓના પૈસે ગોવાના જેક ડેલટીન કસીનોમાં મજા માણતા એક મહિના અગાઉ ઝડપાયેલા મહાઠગ પંકજ સચદેવા વિરુદ્ધ રૂ.૭.૭૨ લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
દિલ્હી, પડ્ઢિમ વિહારના વતની અને હાલ અડાજણ, રાજહંસ સિનેમાની સામે રાજહંસ કેમ્પસના વિનસ એપાર્ટમેન્ટમાં રહેતો પંકજ રમેશ સચદેવા સારોલી, રાજ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની પેઢી ધરાવે છે. તેણે સુરતના સાત વેપારીઓ પાસે ૩ કરોડ ૯૩ લાખનો કાપડનો માલ ઉધાર ખરીદ્યા બાદ વેપારી ધારા-ધોરણ મુજબ પૈસા ન ચૂકવી પેઢી બંધ કરી ઉઠમણું કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગોવાના જેક ડેલટીન કસીનોમાંથી ગત ૧૩ એપ્રિલના રોજ પંકજ ઝડપી લીધો હતો. જેક ડેલટીન કસીનોમાં વીઆઇપી મેમ્બર પંકજ જુગાર રમવા માટે ફરીદાબાદથી ફ્લાઇટમાં ગોવા દર પંદર દિવસે જઈ ચાર-પાંચ દિવસ રોકાતો હતો અને કરોડોની છેતરપિંડી કરી મેળવેલા વેપારીઓના પૈસે જલસા કરતો હતો. દરમિયાન, મહાઠગ પંકજ સચદેવા વિરુદ્ધ ગતરોજ છેતરપિંડીની વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. મૂળ હરિયાણા રોહતકના વતની અને સુરતમાં સિટીલાઇટ અશોક પાન હાઉસ પાસે આશીયાના ફ્લેટ નં.એ-૧૦૨ માં રહેતા તેમજ રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા ૬૧ વર્ષીય વેપારી મહેશભાઇ બીરબલભાઇ ચાવલા અને તેમના પરિવારના સભ્યોની અલગ અલગ દુકાનોમાંથી રૂ.૪,૪૭,૪૯૫ નું ડ્રેસ મટીરીયલ ખરીદી તેમજ તેમના મિત્ર જીતેન્દ્રભાઇ બારોટની સુંદરમ ફેશન્સ નામની દુકાનમાંથી રૂ.૩,૨૪,૭૨૦ ની સાડી અને લહેંગાનું કાપડ ખરીદી કુલ રૂ.૭,૭૨,૨૧૫ નો માલ ખરીદી પેમેન્ટ કર્યા વિના પંકજ સચદેવાએ ઉઠમણું કર્યું હતું. આ અંગે મહેશભાઈએ ગતરોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.