
અડાજણ, સરદાર બ્રિજની નીચે રૂપા રો-હાઉસમાં રહેતા ઍક કારખાનેદારના મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતાં. તસ્કરોઍ મકાનમાંથી રૂ. ૮ લાખ ૨૬ હજારની મત્તા ચોરી ભાગી છૂટ્યા હતાં.
અડાજણ, સરદાર બ્રિજ નીચે રૂપા રો-હાઉસમાં રહેતા પ્રતિકભાઈ પ્રવીણચંદ્ર લાયન્સવાલા ખટોદરા, સોમા કાનજીની વાડીમાં હાઇડ્રોટેક્સ ઍન્જીનિયરિંગ વર્ક્સ નામથી કારખાનું ધરાવે છે. તા. ૧૦મી મેના રોજ ચોકબજાર, આર્યા સમાજની વાડીમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરી પરિવારે પોતાના દાગીના કબાટમાં મૂકી દીધા હતાં. ત્યારબાદ રાત્રિના સમયે પરિવારનાં સભ્યો જમી પરવારીને મીઠી નિંદ્રા માણી રહ્ના હતાં. તે દરમિયાન તસ્કરોઍ ટેરેસના દરવાજાનો ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પહેલા માળના રૂમમાં પ્રવેશ કરી કબાટનો લોક ખોલ્યો હતો. તેમાંથી સોનાનો પાટલો, કડું, ડોકિયું, બુટ્ટી, પેન્ડલ અને ચાંદીના દાગીના, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. ૮ લાખ ૨૬ હજારની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતાં. બીજા દિવસે સવારે ચોરી અંગેની જાણ થતા પરિવારનાં સભ્યોના હોશ ઉડી ગયા હતાં. આ બનાવ સંદર્ભે રાંદેર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે પ્રતિકભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.