
પલસાણાના કરાળા ગામેથી ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં ડીજેના પ્રોગ્રામમાં નાચી મોડી રાતે મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહેલા મિત્રોને ઘર નજીક જ અકસ્માત નડતા ઍક મિત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પલસાણા તાલુકાના કરાળા ગામે ખાડી ફળિયામાં રહેતા કરણ શંકર ભાઈ રાઠોડ અને બાજુમાં રહેતો તેનો મિત્ર અક્ષય રમેશભાઇ રાઠોડ સાથે મોડી રાત્રે પલસાણાના ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં મોટરસાયકલ જીજે-૧૯, ઍજી-૩૪૭૨ લઇ નાચવા માટે ગયા હતાં. મોડી રાતે પરત ફરતી વખતે કરણ ગામની હદમાં બસ સ્ટેન્ડ સામેના કટ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રક નંબર ઍચઆર-૭૪, બી-૯૭૫૯ના ચાલકે અડફટે લેતા મોટરસાયકલ સવાર બંને મિત્ર ગંભીર રીતે ઘવાયા હતાં. બંને મિત્રોને મોડી રાતે ૧૦૮ મારફતે રાહદારીઓઍ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ગુરુવારે વહેલી સવારે કરણ રાઠોડનું મોત નીપજ્યું હતું તેમજ અક્ષય રાઠોડને હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાયું હતું. ઘટના અંગે મૃતકમાં મોટા ભાઈ અર્જુન રાઠોડે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.