
અલથાણ-ભીમરાડ રોડ પર પાલિકાની પાણીની ટાંકી પર ચઢેલા વાંદરાને નીચે ઉતારવા માટે ફાયરની ટીમે દોઢ-બે કલાક હાઈડ્રોલિક પ્લેટફોર્મ મૂકીને ત્યાં બેસી રહયા હતા.બાદમાં વાંદરુ હાઈયડ્રોલિક પ્લેટફોર્મની સીડી પકડીને નીચે ઉતર્યો હતો.
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ અલથાણ-ભીમરાડ રોડ પર પાલિકાની ૬૦થી૭૦ ફુટ ઊંચાઈ પાણીની ટાંકી પર ઍક વાંદરો ચઢી ગયો હતો. જેથી ત્યાં લોકો મોટી સંખ્યામાં ઍકત્ર થઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ટાંકી પર જઈ વાંદરાને ઉતારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્લેટફોર્મની ટ્રોલીમાં ઉભેલા ફાયરજવાનોને જોઈ વાંદરુ દૂર ભાગી જતો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે પાણીની ટાંકીને અડાડીને હાઈડ્રોલિક પ્લેટફોર્મ મૂકી દીધું હતું. ત્યારબાદ સ્થળ પર હાજર લોકોને ત્યાંથી ખસેડી ફાયર બ્રિગેડની ટીમ પણ દૂર જતી રહી હતી. જોકે દોઢ- બે કલાક સુધી રાહ જોયા બાદ વાંદરું જાતે હાઈડ્રોલિક પ્લેટફોર્મની સીડી પકડીને નીચે ઉતરી જતા હાસકારો અનુભવ્યો હતો. આ અંગે ફાયર ઓફિસર હરીશ ગઢવીઍ જણાવ્યું હતું.