
ઉન ભિંડીબજાર ખાતે જાહેરમાં ફ્રૂટના વેપારી ઉપર તલવાર વડે હુમલો કરી ઉપરાછાપરી ૯ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ફ્રૂટ વેપારીની હત્યા તેના મિત્રઍ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સચિન જીઆઈડીસી પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
ઉન ભિંડી બજારમાં રહેતા અખ્તર ઉર્ફે અકો મુશ્તાક શેખ ભેસ્તાનમાં ફ્રૂટનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મધરાત્રિના સમયે અખ્તરનો મિત્ર ઇમરાન ફોન કરીને તેને લેવા માટે ઘરે આવ્યો હતો. ત્યારબાદ ૧૫ મિનિટમાં જ અખ્તર ઉપર તલવાર વડે હુમલો કરી હાથની નસો કાપી ઉપરાછાપરી ૯ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તેને બચાવવા વચ્ચે પડેલા જીજે-૫, બીટી-૦૨૦૦ નંબરની રીક્ષાના ચાલક ઉપર પણ હુમલો કરાતા તેને સામાન્ય ઇજા પહોચી હતી. હત્યાના પગલે આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં. આ ઘટના અંગે સચિન જીઆઈડીસી પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજા લઈ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. આ હુમલા પાછળ શાહરુખ સેવન અને તેના ચારથી પાંચ સાગરીતોનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ હુમલો ઇમરાન ગડ્ડી ગેગ દ્વારા કરાયો છે. ઇમરાન છેલ્લાં ત્રણ વર્ષથી અખ્તરનો મિત્ર હતો. ઇમરાન અવારનવાર અખ્તરને પોતાની સાથે રહેવા માટે ધાકધમકી આપતો હતો, પરંતુ અખ્તરે તેની વાત માની ન હતી. ઈમરાન ગડ્ડી ગેગ યુવાનોને પોકેટ મારવાની ટ્રેનિંગની સાથે ચોરી કરવામાં કુખ્યાત છે. ઇમરાન અગાઉ તડીપાર પણ થયો હતો. હાલ આ તમામ ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.