
અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીનો ફ્લેટ ઍચડીઍફસી ફાઇનાન્સીયલ બેંકમાં મોર્ગેજ હોવા છતા બારોબાર વેચી દેનાર ફ્લેટ માલિક વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે ગ્રીન રેસીડન્સીના ફ્લેટ નં. ઍ/૧૦૧ માં રહેતા સી.ઍ. ધર્મેશ ધીરજ તમાકુવાલાની પત્ની ૫૦ વર્ષીય દીપાબેને માર્ચ ૨૦૧૨માં રહેણાંક ફ્લેટ કતારગામ, મીનાક્ષીની વાડી, ભુલાભાઈ દેસાઈ પાર્કમાં રહેતા નિતીન ગોપાલ રાણા પાસેથી રૂ. ૨૯ લાખમાં કલાવતીબેન સુખારામવાળાના નામે વેચાણ દસ્તાવેજથી ખરીદ્યો હતો, પરંતુ ઓક્ટોબર ૨૦૨૧માં ઉધના દરવાજા સ્થિત ઍચડીઍફસી ફાઇનાન્સીયલ સર્વિસ બેંક દ્વારા નિતીન રાણા અને તેના પરિવારના નામે ફ્લેટ ઉપરાંત અન્ય મિલકત મોર્ગેજ કરવામાં આવી હોવાની નોટીસ ફટકારવામાં આવી હતી. જેને પગલે ચોંકી ગયેલા દીપાબેન તમાકુવાલાઍ પોતાની વકીલ હસ્તક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નિતીન ગોપાલ રાણા વિરૂધ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફ્રોડનો ગુનો નોંધાયો છે અને તબીબી સારવારના નામે જામીન મુક્ત થયા બાદ હાલ ફરાર છે. જેથી નીતિન રાણાઍ મોર્ગેજ લોન હોવાની વાત છુપાવી પોતાનો ફ્લેટ વેચી દઈ છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું હતું. તે અંગે દીપાબેને અડાજણ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.