મળસ્કે રીક્ષામાં જતા મહિલા પ્રવાસીનું પર્સ પાછળથી બાઈક પર આવી આંચકી લેતી ટોળકી ફરી સક્રિય થઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી મહિલા ભાઈની દીકરીના લગ્નમાં હાજરી આપવા પખવાડીયા અગાઉ પતિ અને પુત્રી સાથે રીક્ષામાં સુરત રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ઉધના મેઈન રોડ પર પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા તેમનું સોનાના દાગીના, મોબાઈલ ફોન મળી અંદાજીત રૂ.૧ લાખની મત્તા સાથેનું પર્સ આંચકી ફરાર થઈ ગયા હતા.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં પાંડેસરા આકાશ રો હાઉસની બાજુમાં સુખસાગર રેસિડન્સી ઘર નં.સી/૩૦૪ માં રહેતા ૫૨ વર્ષીય ભરતકુમાર કેમલપ્રસાદ શુક્લા સચીન જીઆઇડીસીની મિલમાં નોકરી કરે છે. તેમના પત્ની સુમિત્રાદેવી ભાઈની દીકરીના લગ્ન હોય તેમાં હાજરી આપવા પુત્રી પ્રિયા સાથે જવાના હોવાથી ગત બીજીના મળસ્કે ભરતકુમાર તેમને રીક્ષા ભાડે કરી સુરત રેલવે સ્ટેશન મુકવા ઘરેથી નીકળ્યા હતા. તેમની રીક્ષા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઉધના મેઈન રોડ નાથુભાઈ ટાવરની સામેથી પસાર થતી હતી ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા રીક્ષામાં ડાબી સાઈડ બેસેલા સુમિત્રાદેવીના હાથમાંથી તેમનું પર્સ આંચકી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. પર્સમાં રૂ. ૯૩ હજારની મત્તાના સોનાના દાગીના અને રૂ.૭ હજારની મત્તાનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧ લાખની મત્તા હતી. બનાવ અંગે ભરતકુમારે ગતરોજ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.