સુરતના મહિધરપુરા હીરાબજારમાં બુધવારે સાંજે વેપારીને પેમેન્ટ આપવા જતા યુવાનને ઘેરી પાંચ અજાણ્યા રૂ.૪.૬૫ લાખ સાથેની થેલી ઝુંટવી ફરાર થઈ ગયા હતા. નજીકમાં જ ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાલતા જતા યુવાન સાથે ઍક અજાણ્યો અથડાયા બાદ કોઈ પાછળ બોલાવે છે તેવો ભાસ થતા તેણે પાછળ જોયું ત્યારે જ આગળ ચાલતો યુવાન થેલી લઇ ભીડમાં ભળી ગયો હતો.
મૂળ ભરૂચના નેત્રંગના કોઈલી માંડવીનો વતની અને સુરતમાં રાંદેર રોડ નવયુગ કોલેજની સામે કોટીયાક નગરમાં રહેતો ૨૨ વર્ષીય સંજય મનુભાઈ વસાવા મહિધરપુરા હીરાબજાર જદાખાડી સચ્ચિદાનંદ બિલ્ડીંગના પહેલા માળે કેતનભાઈ લલીતભાઈ શાહના હીરાના કારખાના અભિનંદન ઈમપેક્ષમાં છેલ્લા આઠ મહિનાથી રૂ.૩૫૦૦ ના પગારે પરચુરણ કામની નોકરી કરે છે. જદાખાડી ક્રિષ્ણા બિલ્ડીંગમાં જ ઓફિસ ધરાવતા હીરા વેપારી નવીનભાઈ સિદ્ધપરાને ત્યાં તે અવારનવાર પેમેન્ટ આપવા જતો હોય બુધવારે સાંજે કેતનભાઈઍ તેને રૂ.૪ લાખ ૬૫ હજાર ૪૦૦ કાળી થેલીમાં આપી નવીનભાઈને આપવા મોકલ્યો હતો. નજીકમાં જ નવીનભાઈની ઓફિસ હોય સંજય ચાલતો જતો હતો ત્યારે જદાખાડી મેઇન રોડ ઇવા સેફ નામના સેફ વોલ્ટની સામે ઍક તરફથી ત્રણ યુવાનોઍ અને બીજી તરફથી બે યુવાનોઍ તેને ઘેરી લીધો હતો. ઍક યુવાન તેના ખભાના ભાગે અથડાયા બાદ સંજયને લાગ્યું કે કોઈ તેને પાછળથી બોલાવે છે. આથી તેણે પાછળ જોયું તે દરમિયાન આગળ ચાલતો અજાણ્યો તેના હાથમાંથી રૂ. ૪ લાખ ૬૫ હજાર ભરેલી થેલી ઝુંટવી ભીડમાં ભળી અન્યો સાથે ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સંજયે કેતનભાઈને જાણ કર્યા બાદ આ અંગે મોડીરાત્રે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.