
સુરત રેલવે સ્ટેશન પર ઍક ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ભાગે પટકાઈ હતી. બુમાબુમ કરતા ત્રણ ડબ્બા પસાર થઈ બાદ ટ્રેન રોકાઈ હતી અને મહિલાનો જીવ બચ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૩ પર રાજસ્થાનથી સુરત સ્ટેશન પર આવેલી બાંદ્રા-હિસાર ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી ઉપડી હતી, પરંતુ ટ્રેન ઉપડવાની સાથે જ ઍક ગંભીર ઘટના સામે આવી હતી. ૪૦ વર્ષની મહિલા પ્રવાસી બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા ગઈ હતી. ટ્રેન ચાલુ થઈ જતા તે ટ્રેનમાં ચડવા માટે દોડી ત્યારે પગ લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ હતી. મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોઍ બુમાબુમ કરી દીધી હતી. દરમિયાન મહિલાને નીચે દિવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોઍ સમજાવી હતી. અંદાજે ૩ જેટલાં ડબ્બા પસાર થયા બાદ ટ્રેન રોકાતા સ્ટેશન પરના કુલીઓઍ મહિલાને બહાર કાઢી હતી. સદ્ભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. જોકે, મહિલાને માથામાં ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ મહિલા રાજસ્થાનમાં રહેતી પૂજા અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. પૂજાબેનનો ચમત્કારિક બચાવ થતાં તેમના પરિવારનાં સભ્યોના જીવમાં જીવ આવ્યો હતો. જાકે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ તેના ફુટેજ વાયરલ થતાં લોકો પણ અચંભિત થઈ ગયા હતાં.