સરથાણા વિસ્તારની મહિલાઍ બુધવારે કાપોદ્રા, ઝડફિયા સર્કલ પાસે ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. અમરોલી, સાવરકુંડલાના વતની ગજેરા પરિવારના માતા-પુત્રની અણધારી વિદાયથી સ્થાનિક વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે. બપોરે પુત્રની તબિયત બાબતે પતિ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ મહિલાઍ પુત્ર સાથે ઘરેથી નીકળી જઈ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, ઍમ પોલીસ જણાવી રહી છે.
સરથાણા, યોગીચોક સ્થિત શિવધારા કોમ્પ્લેક્સમાં રહેતી ચેતનાબેન જિગ્નેશભાઈ ગજેરા બુધવારે બપોરે પોણા ચારેક વાગ્યાના અરસામાં તેણી પોતાના ૨ વર્ષીય પુત્ર અંશ સાથે કાપોદ્રા,ઝડફિયા સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળી આવી હતી. દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી કાપોદ્રા પોલીસના ધ્યાને આવતા બંનેને સારવાર માટે ૧૦૮ માં સ્મીમેરમાં ખસેડાયાં હતાં. જ્યાં ચેતનાબેનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે માતા બાદ માસૂમ અંશનું પણ બુધવારે મોડી રાત્રે બારેક વાગ્યાના અરસામાં મોત થયું હતું. બનાવ બાદ માતા પુત્રની ઓળખ કરવા માટે આસપાસના સોસાયટીના પ્રમુખને તેડાવ્યા. હતા. જોકે સરથાણા પોલીસ મથકમાં ચેતનાબેનના પતિ જિગ્નેશે પત્ની અને પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચતા ઓળખ થઈ હતી. પીઍસઆઈ ચૌધરીઍ વધુમાં કહ્નાં હતું કે, ચેતનાબેનના હીરાની કંપનીમાં નોકરી કરતા જિગ્નેશભાઈ સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. અંશ તેમનો ઍકનો ઍક પુત્ર હતો. ચેતનાબેનના પિયર પક્ષે હજી સુધી તેણીના મૃત્યુને લઈ આરોપ કર્યો નથી.ચેતનાબેન અને માસૂમ અંશ જે સ્થળે બેભાન હાલતમાં પડ્યાં હતા ત્યાં હાજર લોકોના ટોળાઍ બંનેને હોસ્પિટલમાં ખસેડવાને બદલે મોબાઈલ ફોનમાં વીડિયો શૂટિંગ કરી માનવતાને શરમાવી હતી. દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા કાપોદ્રા પીઆઈ ઍન. ઍમ. ચૌધરી ટોળું જોઈ ઘટનાસ્થળે પહોંચતા ચોંકી ઊઠ્યા હતા. તેમણે તાબડતોબ ૧૦૮-ને કોલ કરી પોલીસના માણસોને સાથે મોકલી માતા પુત્રને સ્મીમેર ખસેડ્યાં હતાં. જોકે, બંને કમભાગીઓનો જીવ બચી શક્યો નહોતો.