સુરત શહેરમાં અવારનવાર રીક્ષામાં ફરતી ચોર ટોળકી પેસેન્જરોને બેસાડી આગળ પાછળ ખસવાનું કહી તેમના કિંમતી મોબાઈલ અને રોકડ ચોરી લેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ફરી ઍકવાર ભરૂચ ખાતેથી આવેલા ઍક યુવકના ખિસ્સામાંથી રીક્ષાચાલક અને તેના ત્રણ સાગરીતોઍ રોકડા રૂ. ૬૪ હજાર ચોરી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
ભરૂચના આમોદ જિલ્લાના આછોદ ગામમાં રહેતા મુશ્તાકભાઈ ગુલામ અલી પટેલ સિલાઈકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા. ૨૭મી મેના રોજ મુશ્તાકભાઈ કામ અર્થે સુરત આવ્યા હતાં. સુરત રેલવે સ્ટેશનથી ઍક ઓટો રીક્ષામાં બેઠા હતાં, ત્યારે રીક્ષામાં બે અજાણ્યા શખ્સો અને ઍક મહિલા પેસેન્જર તરીકે બેસી હતી. મુશ્તાકભાઈને રીક્ષા ચાલકે પાછળ બેસાડી લીધા હતાં. ત્યારબાદ રીક્ષા થોડે દૂર ચાલતા રીક્ષામાં બેસેલા ચોરોઍ મુશ્તાકભાઈને આગળ-પાછળ બેસવાનું કહી ધક્કામુક્કી કરી તેમના ખિસ્સામાંથી રોકડા રૂ. ૬૪ હજાર ચોરી લીધા હતાં. પોતાનું કામ થઈ જતાં રીક્ષા ચાલક અને તેના સાગરીતોઍ મુશ્તાકભાઈને મહિધરપુરા પોસ્ટ ઓફિસની સામે રોડ ઉપર રીક્ષા ઊભી રાખી મુશ્તાકભાઈને નીચે ઉતારીને ભાગી છૂટ્યા હતાં. જાકે, મુશ્તાકભાઈને થોડી વાર પછી પૈસા ચોરી થવાની જાણ થતાં તેમણે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.