ત્રીજી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિતે બારડોલી ખાતે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તેમજ રમત-ગમત મંત્રાલય દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૧૫૦થી વધુ યુવા તેમજ બાળકોએ ભાગ લીધો હતો. હાલ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્ના છે, ત્યારે વિશ્વ સાયકલ દિવસ નિમિતે વિશ્વને પર્યાવરણના સંદેશ આપવા દેશભરમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બારડોલી સ્વરાજ આશ્રમથી સાડા સાત કિલોમીટર સુધી સાયકલ રેલી યોજાઈ હતી. બારડોલી સ્વરાજ આશ્રમથી નીકળેલી રેલી ધામડોદ રોડ સાંઈ મંદિર થઈ સાંકરી સ્વામિનારાયણ મંદિર સુધી ગઈ હતી. આ રેલીમાં ૧૫૦ સાયકલિસ્ટો જોડાયા હતાં. જ્યારે આ સાયકલ રેલીમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, પ્રાંત અધિકારી સ્મિત લોઢા અને આઈપીએસ અધિકારી બિશાખા જૈન તેમજ બારડોલી આરોગ્ય કેન્દ્રના ડૉ. અમૃત પટેલે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું.