નાનપુરા બહુમાળી ખાતે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ (ડીઆઇઍલઆર) શાખા અને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારા તત્કાલિન અધિકારી વિઠ્ઠલ ખીમજીભાઈ ડોબરીયા સામે સુરત ઍસીબીઍ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યો છે. ડોબરીયા પાસે આવક કરતા વધુ રૂપિયા ૨૨,૫૮,૮૦૬ની મિલકત દસ્તાવેજી પુરાવા સાથે મળી આવી છે.
સુરત ઍન્ટિકરપ્શન બ્યુરોને ડોબરીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ મળી હતી. જેની તપાસ શરૂ થયેલી. ડોબરીયા ઍપ્રિલ ૧૯૮૨માં સરકારી નોકરીમાં ત્રીજાવર્ગના કર્મચારી તરીકે જોડાયા હતા. ૨૦૧૪થી સુરત ખાતે ફરજ બજાવી માર્ચ ૨૦૧૭માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તપાસ દરમિયાન ઍકત્રિત કરાયેલા કેટલાક દસ્તાવેજી પુરાવાનું વિશ્લેષણ કરતા ડોબરીયાઍ કાળી કમાણીમાંથી વસાવેલી મિલકતોનો પર્દાફાશ થયો હતો. ડોબરીયાઍ તેમના પુત્ર વિપુલના નામે રોકાણ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. સુરતમાં નોકરી દરમિયાન તેમની કાયદેસરની રૂપિયા ૩૭.૬૮ લાખની આવકના પ્રમાણમાં રૂ. ૨૨.૫૮ લાખ ઍટલે કે ૫૯.૯૪ ટકા જેટલી વધુ સંપત્તિ ખરીદી હોવાનું તપાસમાં પુરવાર થયું હતું. તપાસમાં ઉજાગર થયેલી હકીકતોને ધ્યાને લઈ સુરત ઍસીબીઍ ડોબરીયા વિરુદ્ધ કલમ ૧૨, ૧૩ (૧) (ગ્) અને ૧૩(૨) મુજબ ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ડોબરીયાની સામે ઍસીબીમાં ગુનો દાખલ થતા ડીઆઇઍલઆર અને સબરજિસ્ટ્રાર કચેરીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.