વેસુ વીઆઈપી રોડ પર વહેલી સવારે એક સીમેન્ટ ભરેલી ટ્રકે મજૂરને કચડી નાંખતા ભાગદોડ મચી હતી. અકસ્માત બાદ ડ્રાઇવર ભાગવા જતાં તેને લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યો છે. મૃતક મજૂરના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વેસુ, વીઆઈપી રોડ મારવેલા કોરિડોર પાસે લેબર કોલોનીમાં રહેતા ૪૭ વર્ષીય હીરાભાઈ કાલીચરણ સહાની નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે વહેલી સવારે વેસુ વીઆઈપી રોડ પર હીરાભાઈ કામ કરી રહ્ના હતાં, ત્યારે એક સીમેન્ટ ભરેલી ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી હીરાભાઈને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અને સીમેન્ટ ભરેલી ટ્રકના ટાયર હીરાભાઈ પર ફરી વળતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ આજુબાજુનાં મજૂરો સ્થળ પર દોડી આવ્યા હતાં અને ડ્રાઇવરને પકડી પાડી ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતક હીરાભાઈના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હીરાભાઈના મોતથી તેના ત્રણ બાળકો અને પત્ની નોધારા બન્યાં છે. હીરાભાઈ મૂળ યુપીના ગોરખપુરના રહેવાસી હતાં. હીરાભાઈના મોતથી તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.