સુરતમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત એવા રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રીપેરીંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી છે. આ પહેલાં ૯ મે અને ત્યાર બાદ ૧૬ જૂને બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ જાહેર કરી હતી. જોકે, આજે વધુ એક તારીખ જાહેર કરાતા બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ પે તારીખ જેવો ઘાટ થઈ રહ્ના છે. આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે તેથી આ બ્રિજ રીપેરીંગ કરી જલ્દીથી ખુલ્લો મુકવામાં આવે તેવી માગણી થઈ રહી છે.
સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રીંગરોડ ફૂલાય ઓવરબ્રિજની લાંબા સમય બાદ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રીપેરીંગની કામગીરી કઠીન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઇ રહી છે. હાલ બ્રિજનું રીહેબીલીટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચર લીફટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. રીપેરીંગની કામગીરી શરૂ કરવા માટે તા.૯ માર્ચથી ૮ મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જોકે, ૮ મે સુધી ૫૦ ટકા કામગીરી પણ થઈ ન હોવાથી પાલિકાએ આ પ્રતિબંધ વધારી ૧૫ જૂન સુધી કામગીરી ચાલશે અને ૧૫ જુનથી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હાલ વરસાદ નથી તેમ છતાં બ્રિજ રીપેરીંગ કામગીરી પૂરી થઈ નથી. આ કામગીરી હજુ ૨૫ જૂન સુધી ચાલે તેવી શક્યતા છે. તેના કારણે ફરી એક વાર પાલિકાએ તારીખ જાહેર કરી છે અને ૨૬ જુનથી બ્રિજ ખુલ્લો મૂકવા માટે જણાવ્યું છે. જો, આ સમય દરમિયાન કામગીરી પુરી થાય તો જ ૨૬ જુનથી રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થશે નહીં તો વધુ એક તારીખ જાહેર કરવામાં આવશે.