
લિંબાયત મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ, જલારામ મંદિરની દિવાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર સુરત ક્રાઇમ બ્રાંચે છાપો માર્યો હતો. પોલીસે બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડ્યા હતાં. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, કાર વગેરે મળી કુલ રૂ. ૧ લાખ ૫૦ હજારથી વધુની મત્તા કબજે કરી છે. જ્યારે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે, લિંબાયત પોલીસે બપોરે છાપો મારી સુરેખા નામની મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. જ્યારે ક્રાઇમ બ્રાંચે સાંજે છાપો મારી આ જ મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી છે. જેથી લિંબાયત પોલીસે કરેલી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયાં છે, પરિણામે ક્રાઇમ બ્રાંચને છાપો મારવાની જરૂર પડી હતી.
લિંબાયત પોલીસે શુક્રવારે બપોરે સુરેખા નામની મહિલા બુટલેગરને દારૂના જથ્થા સાથે મહાપ્રભુનગરમાંથી ઝડપી પાડી હતી. જોકે, લિંબાયત પોલીસની કામગીરી શંકાસ્પદ જણાતા સુરત ક્રાઇમ બ્રાંચે શુક્રવારે સાંજના સમયે ફરીથી લિંબાયત મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ, જલારામ મંદિરની દિવાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી. ત્યારે મહાપ્રભુનગરમાં રહેતો સમીર ઇસ્માઇલ શેખ અને જલીલ ખલીલ શેખ નામના બુટલેગરો રંગેહાથ પકડાઈ ગયા હતાં. જ્યારે લિંબાયત સંજયનગરમાં રહેતી સુરેખા ભટ્ટુ પાટીલ, નાસીર પઠાણ અને લિંબાયત ખાનપુરામાં રહેતા શહીદ દેશમુખ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૪૯ હજારથી વધુની મત્તાની ૫૮૦ નંગ દારૂની બોટલ, કાર, બે મોબાઈલફોન વગેરે મળી કુલ રૂ. ૧ લાખ ૫૦ હજારથી વધુની મત્તા કબજે કરી છે. જ્યારે લિંબાયત પોલીસે બપોરના સમયે મારેલા છાપામાં સુરેખાની ધરપકડ બતાવવામાં આવી હતી અને જલીલ તથા નાસીરને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ક્રાઇમ બ્રાંચે રેડ કરી ત્યારે જલીલની ધરપકડ બતાવવામાં આવી છે, જ્યારે સુરેખા સહિત ત્રણ જણાંને વોન્ટેડ જાહેર કરાયો છે.