
સુરતની સિવિલ હોસ્પિટલમાં હજયાત્રીઓ માટે સરકારની એન્ટીમેની જાઇટિસ નામની રસીકરણનો કેમ્પ રાખવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજયાત્રીઓ દર વર્ષે મક્કા મદીના હજ પઢવા માટે જાય છે. તેમના માટે દર વર્ષે નવી સિવિલ હોસ્પિટલમાં રસીકરણનો કેમ્પ રાખવામાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર હજ પઢવા માટેની પરવાનગી મળતા જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના હજયાત્રીઓએ હજ પઢવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.
તેમના માટે નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ સવારના ૯થી બપોરના ૧ અને બપોરના ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી રસીકરણનો કેમ્પ રાખવામાં આવ્યો છે. મંગળવારે પહેલા દિવસે મોટી સંખ્યામાં હજ પઢવા માટે જનાર લોકો રસી મુકાવવા માટે મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં. હજયાત્રીઓ પોતાની સાથે આઈડી પ્રૂફ, અસલ પાસપોર્ટ, તેની ઝેરોક્સ અને હજ કમિટી દ્વારા આપવામાï આવેલા કવર નંબર સાથે લાવ્યા હતાં. વેક્સીન ફક્ત ગુજરાત રાજ્ય હજ કમિટી મારફતે જતાં સુરત જિલ્લાના હજયાત્રીઓ માટે જ ઉપલબ્ધ રહેશે અને બાકીનાં ખાનગી એજન્ટો દ્વારા જતાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં રસીકરણની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.