મજૂરાગેટ શંખેશ્વર કોમ્પલેક્ષના અલંકૃતિ ઍપાર્ટમેન્ટમાં આવેલા ઍક ફ્લેટનો કબજા માલિકે વેચાણ કર્યા બાદ વેપારીને ન આપતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
મોટાવરાછા, વિશ્વનાથ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ધમરસિંહભાઈ સાવલીયા હીરાના ધંધા સાથે સંકળાયેલા છે. ૨૦૧૪માં હીરાના વેપાર સાથે સંકળાયેલા અને મજૂરાગેટ, શંખેશ્વર કોમ્પલેક્ષના અલંકૃતિ ઍપાર્ટમેન્ટમાં રહેતો જીગ્નેશ કીર્તિલાલ શાહનો લાલજીભાઈ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ જીગ્નેશભાઈએ પોતાનો ફ્લેટ વેચવાનો હોવાનું લાલજીભાઈને જણાવ્યું હતું. લાલજીભાઈઍ ફ્લેટ ખરીદવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ બંને જણાંઍ ફ્લેટનો સોદો નક્કી થતાં લાલજીભાઈઍ રૂ. ૮ લાખ ૧૫ હજારમાં ફ્લેટ જીગ્નેશભાઈ પાસેથી ખરીદી લીધો હતો. ત્યારબાદ રજીસ્ટ્રાર કચેરીઍ તા. ૭મી નવેમ્બર ૨૦૧૪ના રોજ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યો હતો, પરંતુ આજદિન સુધી જીગ્નેશભાઈઍ ફ્લેટનો કબજા લાલજીભાઈને આપ્યો ન હતો. જેથી લાલજીભાઈઍ અઠવા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ ઍક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.